Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલ કેમ્પસમાં વર્ચસ્વ જમાવવાના મુદ્દે ગણેશ આગમન યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. ગણેશોત્સવના પાવન પર્વ પૂર્વે બનેલી આ ઘટનાને પગલે કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
હોસ્ટેલનાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો
મળતી માહિતી મુજબ, કમાટીબાગ રોડ પર આવેલી હોમ સાયન્સ ફેકલ્ટી પાસે કે. એમ. હોલ (KM Hall) અને એસ. પી. હોલ (SP Hall) ના ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની શ્રીજીની સવારી સામસામે આવી પહોંચી હતી. બંને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે વર્ચસ્વ સાબિત કરવા બાબતે બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પૂર્વ મેયરના પુત્રને માથા પર ઈજા થઈ
યાત્રા દરમિયાન બંને પક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે સામસામે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ મારામારીમાં પૂર્વ મેયર સુનિલ સોલંકીના પુત્ર તેમજ નીલ પ્રજાપતિ નામના વિદ્યાર્થી સહિત કુલ 4 વિદ્યાર્થીઓને માથાના ભાગે તથા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ઘટના સ્થળે દોડી આવી
ઘટનાની જાણ થતાં જ વાતાવરણ વધુ વણસે તે પહેલાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે રજૂઆતો કરવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણના ધામ ગણાતી MSUમાં ગણેશ આગમન જેવા ધાર્મિક અને ઉત્સાહભર્યા પ્રસંગે થયેલી આ હિંસક અથડામણને કારણે યુનિવર્સિટી તંત્ર અને વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસ હાલ આસપાસના CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ ચલાવી રહી છે.
