Vadodara MP Hemang Joshi: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા ઊભી થઈ છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પત્ર લખી પદયાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ પત્ર જાહેર થતા જ સમગ્ર રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
સાંસદ હેમાંગ જોશીના આ પત્રે ખાસ ધ્યાન ખેંચ્યું
આ યુનિટી યાત્રા આજે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ભાવભક્તિ અને રાષ્ટ્રની એકતાના સંદેશ સાથે પ્રસ્થાન કરી છે. દેશભરમાંથી અનેક કાર્યકરો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. એ સમયમાં સાંસદ હેમાંગ જોશીના આ પત્રે ખાસ ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તેમાં રાજકીય પાટલીને પરે રાખીને ભારતીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
એક ભારતીય તરીકે આ યાત્રામાં જોડાઓ
પત્રમાં સાંસદે લખ્યું છે કે, વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે આ યાત્રામાં જોડાઓ. પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશ આપો અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને સ્મરણ કરીએ.” રાજકીય મતભેદોને ભૂલીને દેશ માટે આગળ આવવાની આ વિનંતીને કેટલાકે સકારાત્મક રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે વિરોધીઓ રાજકીય વ્યૂહરચના તરીકે પણ વિશ્લેષણ કરી રહ્યાં છે.
યાત્રા દરમ્યાન રાષ્ટ્રીય એકતા, સંવિધાન, સંકલન અને સુરક્ષા જેવા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને પ્રચાર-જાગૃતિ થશે. સભાઓ, સંસ્કૃતિક કાર્યક્રમો, યુવા સંવાદો તથા સ્વતંત્રતા સેનાનીઓના સ્મરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન પણ તબક્કાવાર કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન સમારોહમાં અનેક રાજકીય નેતાઓ તેમજ પ્રખ્યાત રાષ્ટ્રીય વ્યક્તિત્વોની ઉપસ્થિતિની શક્યતા વ્યક્ત થાય છે.
હેમાંગ જોશીનો પત્ર રાજકીય ચર્ચાનો વિષય બન્યો
હેમાંગ જોશીનો પત્ર રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, હવે નજરો રાહુલ ગાંધીના પ્રતિસાદ પર છે. તેઓ આમંત્રણ સ્વીકારી યુનિટી માર્ચમાં જોડાશે કે રાજકીય અંતર જાળવી આગળ વધશે તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ નિશ્ચિત છે કે આ પત્રથી રાજકારણના પાટીયા ઉપર એકતા સામે મંત્રણા વધુ તીવ્ર થઈ છે.
