Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાંથી માનવતા શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગોરવાના પંચવટી સહયોગ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પરિણીતા પર તેની જ સાસુએ ગળા અને મોઢાના ભાગે બાથરૂમ સાફ કરવાનું એસિડ ફેંકી દેતા વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, પીડિતાના લગ્ન વર્ષ 2021માં પિયુષ દુધરેજીયા સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પરિણીતાને સાસરિયા દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુ, સસરા, પતિ અને બે નણંદો નજીવી બાબતમાં ઝઘડો કરી મેણાં-ટોણા મારતા હતા. પીડિતાના આક્ષેપ મુજબ, તેની નણંદો પતિને ચઢાવતી હતી અને પરિવારજનો તેના ચારિત્ર્ય પર પણ શંકા કરતા હતા. સાસુ વારંવાર તેની સાથે મારપીટ કરતી હોવાનો પણ ગંભીર આક્ષેપ છે.
આ પણ વાંચો
આ ત્રાસ વચ્ચે ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે સાસુએ પુત્રવધૂને એસિડથી બાથરૂમ સાફ કરવા માટે કહ્યું હતું. જોકે, પરિણીતાને એસિડની એલર્જી હોવાથી તેણે એસિડથી સફાઈ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલી સાસુએ બાથરૂમમાંથી એસિડની બોટલ લાવી પરિણીતાના ગળાના જમણા ભાગે અને મોઢા પર એસિડ ફેંકી દીધું હતું.
એસિડ પડતાં જ ગંભીર બળતરા થતા પરિણીતાએ ત્વરિત તેના પતિને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, પરંતુ પતિ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે મદદ મળી નહોતી. અંતે પીડિતાએ પોતાના પિતરાઈ ભાઈની મદદ મેળવી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
SSG હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ પીડિતા પોતાના વતન સાવરકુંડલા જતી રહી હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે ગોરવા પોલીસ મથકમાં સાસુ સહિતના સાસરિયાઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને એસિડ એટેક અને દહેજ માનસિક ત્રાસ અંગેની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
