Vadodara Acid Attack Case: વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના શિયાપુરા મહોલ્લામાં વર્ષ 2025 ના ઓક્ટોબર મહિનામાં પત્ની પર એસિડ ફેંકવાના ચકચારી કેસમાં સેસન્સ કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષિત પતિને આજીવન કારાવાસની સજા તેમજ રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. વધુમાં, આ દંડની રકમ પીડિત મહિલાને વળતરરૂપે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
શું હતો પત્ની પર એસિડ એટેકનો મામલો?
આ પણ વાંચો
આ કેસની મળતી વિગતો અનુસાર, કૌટુંબિક અણબનાવ અને ઉગ્ર વિવાદ બાદ ઓક્ટોબર 2025 માં આરોપી પતિએ પત્ની પર એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં મહિલાના ચહેરા અને શરીરના અન્ય ભાગ ગંભીર રીતે દાઝી ગયા હતા. રાવપુરા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી.
પોલીસ ટીમની ત્વરિત અને ઉત્કૃષ્ટ કામગીરી
આ કેસની તપાસ મહિલા પોલીસ અધિકારી ડી. ડી. રામોલિયા અને તેમની ટીમને સોંપવામાં આવી હતી. પોલીસે માત્ર 1 મહિનો અને 26 દિવસના ટૂંકા સમયમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. FSL, વૈજ્ઞાનિક, ટેક્નિકલ અને તબીબી પુરાવાઓને મજબૂત રીતે રજૂ કરીને પોલીસે કેસને ફાસ્ટ ટ્રેક પદ્ધતિએ આગળ ધપાવ્યો હતો. આ કેસમાં કોર્ટે નોંધ્યું કે, કોઈપણ કૌટુંબિક વિવાદ હિંસાને યોગ્ય ઠેરવી શકતો નથી.
સેશન્સ કોર્ટનો ઐતિહાસિક અને કડક ચુકાદો
કોર્ટે દોષિત પતિને આજીવન કારાવાસની સજા તેમજ રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. વધુમાં, આ દંડની રકમ પીડિત મહિલાને વળતરરૂપે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઘટના ઓક્ટોબર 2025 માં બની હતી અને સેશન્સ કોર્ટે જૂન 2026 ના અંતમાં આખરી ચુકાદો આપ્યો છે. આમ, ગંભીર કેસમાં માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં જ પીડિત મહિલાને ન્યાય મળતા કાયદાકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.
તપાસકર્તા મહિલા અધિકારીનું ખાસ સન્માન
ઉત્કૃષ્ટ તપાસ અને સમયસર ચાર્જશીટ દાખલ કરવા બદલ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રીના હસ્તે તપાસ કરનાર PSI ડી. ડી. રામોલિયાનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ વિરુદ્ધ ગંભીર ગુનામાં ઝડપી તપાસ અને કડક સજાનું આ ઉદાહરણ સમાજમાં હિંસા આચરનારા માટે એક સ્પષ્ટ અને કડક સંદેશ આપે છે.
