લગ્નના નામે છેતરપિંડી: વડોદરામાં યુવતી સાથે પ્રેમલગ્ન કરી 15 લાખ પડાવ્યા, સસરાએ તાંત્રિક વિધિ કરી વશમાં રાખવાનો પ્રયાસ કર્યો

ફરિયાદી મહિલા, જે મૂળ વડોદરાની છે અને ખાનગી બેંકમાં નોકરી કરે છે, તેની ઓળખ આરોપી પાર્થ રોહિત સાથે કામના સંદર્ભમાં થઈ હતી. ધીમે ધીમે આ ઓળખાણ પ્રેમ સંબંધમાં પરિણમી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 16 Oct 2025 03:48 PM (IST)Updated: Thu, 16 Oct 2025 03:48 PM (IST)
vadodara-marriage-fraud-man-marries-for-money-extorts-rs-15-lakh-father-in-law-tries-tantric-rituals

Vadodara News: વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી એક 29 વર્ષીય પરિણીત મહિલાએ પોતાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ છેતરપિંડી, માનસિક-શારીરિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાનો દાવો છે કે તેના પતિએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ વિદેશમાં નોકરીના બહાને રૂ. 15 લાખ પડાવ્યા હતા અને પૈસા પરત માંગતા અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સાસરિયાં પર તાંત્રિક વિધિ કરાવી વશમાં રાખવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે.

પ્રેમ સંબંધમાં ફસાવી રૂપિયા પડાવ્યા

ફરિયાદી મહિલા, જે મૂળ વડોદરાની છે અને ખાનગી બેંકમાં નોકરી કરે છે, તેની ઓળખ આરોપી પાર્થ રોહિત સાથે કામના સંદર્ભમાં થઈ હતી. ધીમે ધીમે આ ઓળખાણ પ્રેમ સંબંધમાં પરિણમી. શરૂઆતમાં મહિલાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પાર્થના સતત દબાણ અને ભાવનાત્મક બ્લેકમેઇલને કારણે તે લગ્ન કરવા રાજી થઈ હતી. અમુક સમય પૂર્વે બંનેએ લવ-મેરેજ કર્યા હતા અને તેનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. લગ્ન બાદ પાર્થ રોહિતે વિદેશમાં નોકરી મેળવવાના બહાને પત્ની પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 15 લાખ પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

લગ્ન બાદ મહિલા ગોરવા સ્થિત સાસરીમાં રહેવા ગઈ, જ્યાં શરૂઆતમાં સંબંધો સામાન્ય રહ્યા હતા. જોકે, થોડા જ સમયમાં સાસુએ નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા. પતિ પાર્થ પણ સાસરિયાંની તરફેણ કરી પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જ્યારે મહિલાએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે પતિએ તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

સસરાએ તાંત્રિક વિધિ કરાવ્યાનો આક્ષેપ

ફરિયાદી પરિણીતાના જણાવ્યા મુજબ, ત્રાસની હદ ત્યારે વટાવી દેવામાં આવી જ્યારે તેના સસરાએ નડિયાદના એક તાંત્રિકને બોલાવી તાંત્રિક વિધી કરીને તેને વશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. પતિ અને સાસરિયાંના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહિલા અંતે સાસરું છોડી પિયર પહોંચી હતી. ત્યાં માતાને સમગ્ર હકીકત જણાવ્યા બાદ તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ રોહિત, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ છેતરપિંડી, ત્રાસ આપવા અને ધમકીઓ આપવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.