વડોદરામાં લગ્નના નામે ઠગાઈ કરતી ગેંગ સક્રિય, રાજકોટના બે યુવકો પાસે 6.5 લાખ રૂપિયા પડાવ્યા; બાપોદ પોલીસમાં FIR નોંધાઈ

બાપોદ પોલીસે ગુનો નોંધીને લૂટેરી દુલ્હન અને ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 01:46 PM (IST)Updated: Fri, 18 Sep 2026 01:46 PM (IST)
vadodara-fake-marriage-fraud-rajkot-two-youths-cheated-6-lakh-bapod-police-complaint
Symbolic Image

Vadodara Marriage Fraud: લગ્ન ઈચ્છુક યુવકોને જાળમાં ફસાવીને નાણાં પડાવતી લૂટેરી દુલ્હન અને ઠગ ટોળકીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વડોદરામાં બોગસ સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાવી રાજકોટના બે યુવાન પાસેથી કુલ રૂ. 6.50 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા બાપોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટના જામનગર રોડ પર રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતા યુવકને લગ્ન માટે કન્યાની તલાશ હતી. આ દરમિયાન કેટલાક પરિચિતો મારફતે વડોદરાની મેઘનાબેન પ્રજાપતિ નામની યુવતીનો સંપર્ક થયો હતો. યુવતીના ફોટોગ્રાફ્સ પસંદ આવતા યુવકને વડોદરા બોલાવવામાં આવ્યો, જ્યાં તેના કથિત સગા-સંબંધીઓ સાથે મુલાકાત યોજવામાં આવી હતી.

આરોપીઓ યુવકને વડોદરાના ઉમા ચાર રસ્તા નજીક આવેલા એક કોમ્પ્લેક્ષમાં સ્થિત વકીલ અનેનોટરીની કચેરીએ લઈ ગયા હતા. ત્યાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બોગસ લગ્નનું સોગંદનામું તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન લગ્ન અને અન્ય સગવડોના નામે યુવક પાસેથી રૂ. 3.30 લાખ રોકડા પડાવ્યા હતા. કરાર બાદ યુવક નવવધૂને લઈને રાજકોટ પોતાના ઘરે ગયો હતો.

થોડા જ દિવસોમાં યુવતીએ પોતાના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોવાનું બહાનું બતાવી વડોદરા પરત ફરી હતી. વડોદરા આવ્યા બાદ યુવતીનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવતા યુવકને શંકા ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ એક સંગઠિત ઠગ ટોળકી છે, જેણે બોગસ દસ્તાવેજો બનાવી તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

વધુ તપાસમાં બહાર આવ્યું કે, આ જ સોસાયટીમાં રહેતા અન્ય એક યુવકને પણ આ જ રીતે અન્ય યુવતી સાથે ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરાવી ફસાવવામાં આવ્યો હતો. આ ટોળકીએ બંને યુવાનો પાસેથી કુલ રૂ. 6.50 લાખની મત્તા સેરવી લીધી હતી. આ રેકેટમાં નકલી ઓળખ અને કુટિલ દસ્તાવેજોનો ઉપયોગ કરીને નિર્દોષ યુવકોને શિકાર બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે.