Vadodara News:વડોદરાના માંજલપુરના કબીરધામ નગરમાં 15 શખ્સોનો પરિવાર પર સશસ્ત્ર હુમલો: મહિલા અને બાળકીઓ સાથે બળજબરી, વાહનોમાં તોડફોડ

વડોદરાના માંજલપુરના કબીરધામ નગરમાં ૧૦-૧૫ અસામાજિક તત્વોના ટોળાએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકીઓ સહિત આખો પરિવાર ઘાયલ થયો. પીડિત પરિવારે પોલીસ પર આરોપીઓને છોડી દેવાનો આરોપ લગાવ્યો અને ન્યાયની માંગ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 14 Sep 2026 09:07 PM (IST)Updated: Mon, 14 Sep 2026 09:07 PM (IST)
vadodara-manjalpur-family-attacked-by-mob-police-questioned

Vadodara News:સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કબીરધામ નગર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા ૧૦ થી ૧૫ અસામાજિક શખ્સોના ટોળાએ એક જ પરિવાર પર જાનલેવા હુમલો કરી ભારે આતંક મચાવ્યો હતો. આ હુમલામાં મહિલાઓ, બાળકીઓ અને પુરુષો સમેત સમગ્ર પરિવારને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, મધરાતે ૧૦ થી ૧૫ શખ્સોનું ટોળું લાકડીઓ અને ઘાતક હથિયારો સાથે કબીરધામ નગરમાં રહેતા પરિવારના ઘરે તૂટી પડ્યું હતું. આ શખ્સોએ ઘરમાં ઘૂસી મહિલા અને બે નાની બાળકીઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. હુમલાખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવી બાળકીઓના કપડાં ફાડી નાખ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. હુમલા દરમિયાન વચમાં પડેલા પરિવારના ત્રણ ભાઈઓ પર પણ જાનલેવા હુમલો કરી તેઓને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા.

અસામાજિક તત્વોનો આતંક આટલેથી અટક્યો ન હતો. તેઓએ ઘરની બહાર પાર્ક કરેલી ઓટો રિક્ષાને ઊંધી વાળી દઈ તેના કાચ તોડી નાખ્યા હતા અને ભારે તોડફોડ મચાવી હતી. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, હુમલાખોરોનો ખોફ એટલો વધી ગયો હતો કે પોલીસની ગાડીની બિલકુલ સામે જ તેઓએ પરિવાર સાથે મારામારી ચાલુ રાખી હતી, જેના દૃશ્યો સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા.

આટલી ગંભીર અને શરમનાક ઘટના બની હોવા છતાં, પીડિત પરિવારે પોલીસ કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે માંજલપુર પોલીસે ઘટના સ્થળેથી આરોપીઓની અટકાયત તો કરી હતી, પરંતુ આટલા મોટા ગુના બાદ પણ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસની આ ઢીલી નીતિ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત પરિવારે તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માગ કરી છે.