Vadodara News: વડોદરા શહેરમાં નજીવી બાબતોને લઈને અવારનવાર ઘર્ષણ અને હિંસાના બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલા ‘આર.કે. ફિટનેસ’ જીમ બહાર વાહન ઊભું રાખવા બાબતે ઉગ્ર તણાવ સર્જાયો હતો, જેનું પરિણામ લોહીયાળ ટકરાવમાં પરિણમ્યો હતો. આ મામલે બંને પક્ષો દ્વારા માંજલપુર પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ લેખિત ફરિયાદો નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.
જીમ સંચાલક પર પાર્કિંગ બાબતે હુમલો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, જીમના સંચાલક રોશન રામચંદ્ર કુશવાહાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે, રવિવારના દિવસે જીમ બંધ રાખવામાં આવતું હોવાથી ત્યાં વાહન પાર્કિંગનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. છતાં પડોશમાં રહેતા જયેન્દ્રસિંહ પઢિયાર, તખતસિંહ પઢિયાર, ગંગાબેન પઢિયાર અને રાહુલસિંહ જાદવે ખોટા મુદ્દે વિવાદ ઊભો કરીને મારામારી કરી હતી. જ્યારે રોશન મામલો થાળે પાડવા પહોંચ્યા, ત્યારે ઉશ્કેરાટોએ હદ વટાવી દીધી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આક્ષેપ છે કે, જયેન્દ્રસિંહ અને તખતસિંહે લાકડાના ધોકા તથા ધારદાર હથિયારો વડે રોશન પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેમના માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી વહી નીકળ્યું હતું. આ સમગ્ર ખૌફનાક દ્રશ્ય આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે. બાદમાં પરિવારજનો અને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત રોશનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
જીમ માલિકે લગાવ્યો ગંભીર આક્ષેપ
વધુમાં જીમ માલિકે આક્ષેપ કર્યો હતો કે, પાડોશીઓ સાથે અગાઉથી જ અદાવત ચાલી રહી છે અને આ અગાઉ પણ તેઓએ ત્રણ વખત પોલીસ સમક્ષ લેખિત અરજીઓ આપી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
સામા પક્ષે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
બીજી બાજુ, સામા પક્ષેથી રાહુલસિંહ દિલીપસિંહ જાદવે પણ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રતિ-ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ પોતાના મામા જયેન્દ્રસિંહના ઘરે ગયા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વાહને અડચણરૂપ પાર્કિંગ કર્યું હતું. જીમમાં આવનાર ગ્રાહકની ગાડી હોવાની શંકા રાખીને તેઓ પૂછપરછ કરવા ગયા હતા, તે દરમિયાન રોશને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને રોશનના માતા-પિતાએ પણ સ્થળ પર આવીને મારામારી આચરી હતી.
પોલીસે બંને પક્ષોની આ અરજીઓને આધારે ગુનાહિત પૃથ્થકરણ શરૂ કર્યું છે અને સીસીટીવી ફૂટેજ ચકાસીને સત્ય બહાર લાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
