વડોદરાના માંજલપુરમાં તસ્કરોનો તરખાટ! એક જ રાતમાં 6 મકાનનાં તાળાં તૂટ્યાં, રહીશોમાં ફફડાટ

વડોદરાના માંજલપુરની કલ્યાણબાગ સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં 6 મકાનોને નિશાન બનાવ્યાં. વહેલી સવારે 3 અજાણ્યા શખ્સોએ તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરતાં રહીશોમાં ફફડાટ ફેલાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 02:41 PM (IST)Updated: Sat, 14 Nov 2026 02:41 PM (IST)
vadodara-manjalpur-burglary-6-houses-theft-one-night-kalayanbag-society

Vadodara Theft News: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં છ મકાનોને નિશાન બનાવ્યાં છે. દીપક જંબુ નજીક આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં મોડી રાત્રે ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ મકાનોના મુખ્ય દરવાજા અને તાળાં તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી તોડફોડ મચાવી હતી. એકસાથે છ ઘરોમાં ચોરીના પ્રયાસની આ ઘટનાથી સમગ્ર સોસાયટી અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

તસ્કરોની ટોળકી સોસાયટીમાં ત્રાટકી

મળતી માહિતી મુજબ, વહેલી સવારે પોણા ચારથી ચાર વાગ્યાના અરસામાં તસ્કરોની ટોળકી સોસાયટીમાં ત્રાટકી હતી. સોસાયટીના રહીશ ભીખુભાઈ જસભાઈ પટેલને વહેલી સવારે બહારથી શંકાસ્પદ અવાજો સંભળાતાં તેઓ જાગી ગયા હતા. શરૂઆતમાં તેમને કોઈ ફટાકડા ફોડતું હોવાની આશંકા ગઈ હતી, પરંતુ બારીમાંથી બહાર જોતાં ત્રણ અજાણ્યા શખ્સો બાઈક બહાર પાર્ક કરીને ઘરમાં ઘૂસવાની પેરવી કરતા નજરે પડ્યા હતા. તસ્કરોએ તેમના ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ભીખુભાઈએ સમયસૂચકતા વાપરી અંદરથી દરવાજો મજબૂતીથી લોક કરી દેતાં તસ્કરો ફાવ્યા ન હતા અને મોટી ચોરી થતાં અટકી હતી.

તસ્કરોએ છ મકાનોને ટાર્ગેટ કર્યા

જોકે, આ ત્રિપુટીએ સોસાયટીના અન્ય છ અલગ-અલગ મકાનોને નિશાન બનાવી તાળાં તોડ્યાં હતાં અને ઘરની અંદર પ્રવેશીને કબાટ સહિતનો સામાન ફેંદી નાખી ભારે તોડફોડ કરી હતી. વહેલી પરોઢે બાઈક પર શંકાસ્પદ શખ્સો આંટાફેરા મારતા હોવાની ઘટનાને પગલે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોમાં ભયની લાગણી પ્રસરી છે.

સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ

સવારે આઠ વાગ્યાના સુમારે આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. એક જ રાતમાં છ મકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવતાં માંજલપુર વિસ્તારની રાત્રિ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે અને સોસાયટી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે.