Vadodara News: વડોદરાના અત્યંત વ્યસ્ત ગણાતાં માંડવી વિસ્તારમાં એક બેફામ નબીરાએ ટ્રાફિક નિયમો અને લોકોના જીવની પરવા કર્યા વગર પૂરઝડપે કાર દોડાવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જાહેર માર્ગ પર રોંગ સાઇડમાં અતિ ઝડપે દોડતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.
નબીરાએ બેફામ સ્પીડમાં કાર હંકારી
મળતી માહિતી મુજબ, માંડવી જેવા સતત વાહનો અને રાહદારીઓથી ઉભરાતા વિસ્તારમાં એક ચાલકે પોતાની કાર રોંગ સાઇડમાં પૂરઝડપે દોડાવી હતી. આ કાર એટલી ભયજનક રીતે હંકારવામાં આવી રહી હતી કે, માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
કોઈપણ મોટા અકસ્માત સર્જાઈ શક્યો હોત, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. નબીરાની આ જોખમી ડ્રાઇવિંગનો વીડિયો પાછળથી પસાર થતા કોઈ વાહનચાલકે કેમેરામાં કેપ્ચર કરી લેતા તે વાયરલ થયો છે.
વીડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ
આ વીડિયો સામે આવ્યા બાદ વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાના અમલ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ભરચક વિસ્તારમાં આ પ્રકારે કાયદાની કોઈ જ બીક વગર કાર હંકારવી ઘણી ગંભીર બાબત છે. સ્થાનિક રહીશો અને વેપારીઓમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
