વડોદરા પોલીસ બેડામાં ખળભળાટ: 84 લાખના દારૂ પ્રકરણમાં બાપોદના PI અને PSI સસ્પેન્ડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 11:04 AM (IST)Updated: Sun, 15 Nov 2026 11:04 AM (IST)
vadodara-liquor-case-bapod-pi-and-psi-suspended

Vadodara News: વડોદરા શહેર પોલીસ બેડામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે રાજ્યના પોલીસ વડા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની હદમાંથી અંદાજે ત્રણ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલા રૂ. 84 લાખના વિદેશી દારૂના જથ્થાના પ્રકરણમાં હવે મોટી શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે. આ મામલે તપાસ અહેવાલ બાદ બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એન. પ્રસાદને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારુ ઝડપ્યો હતો

ગત 22 ઓગસ્ટના રોજ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસની જાણ બહાર કરાયેલી આ કાર્યવાહીમાં SMCની ટીમને પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 16,394 નંગ દારૂ અને બિયરની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. 84 લાખ જેટલી થવા જાય છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલા ચાર વાહનો પણ પોલીસે કબજે કર્યા હતા.

દારુનું કટિંગ થઇ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હતી

આ તપાસમાં સામે આવ્યું હતું કે વિદેશી દારૂનો આ મસમોટો જથ્થો કુખ્યાત બુટલેગર નીલુ સિંધી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. બાપોદ પોલીસ મથકના નાક નીચે રહેણાંક વિસ્તારના પાર્કિંગમાં આટલા મોટા પાયે દારૂનું કટિંગ અને સંગ્રહ થઈ રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ તેનાથી અજાણ રહી હતી અથવા આંખ આડા કાન કરી રહી હતી.

તપાસ અહેવાલ બાદ DGPનો કડક નિર્ણય

SMCની રેડ બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી ચાલેલી આ તપાસનો અહેવાલ રાજ્યના પોલીસ વડાને સુપરત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં બાપોદ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી અને સુપરવિઝનનો અભાવ સ્પષ્ટ થતા, DGPએ PI ડી.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ કડક પગલાંથી શહેરના અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.