વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબા, આ વર્ષે નવરાત્રીમાં જોવા મળશે નવદુર્ગાની થીમ

આ વર્ષે હેરિટેજ ગરબાની થીમ 'નવદુર્ગા' રાખવામાં આવી છે. આ અવસરે ઓડિશાના કલાકારે નવદુર્ગા માતાજીના પાંચ ફૂટ ઊંચા પેન્ટિંગ તૈયાર કર્યા છે, જે ગરબા ગ્રાઉન્ડમાં ગોઠવાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Sep 2025 05:51 PM (IST)Updated: Tue, 16 Sep 2025 05:51 PM (IST)
vadodara-laxmi-vilas-palace-heritage-garba-2025-with-navdurga-theme

નવરાત્રીનો તહેવાર હવે નજીક આવતા વડોદરામાં ગરબાની તૈયારીઓ તેજ બનતી જોવા મળી રહી છે. શહેરની શાન ગણાતા લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા આ વર્ષે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. પેલેસના વિશાળ ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમી શકે તેવી સુવિધા સાથેનું સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે.

નવ દિવસ સુધી માતાજીની ઉપાસના કરાશે

આ વર્ષે હેરિટેજ ગરબાની થીમ 'નવદુર્ગા' રાખવામાં આવી છે. આ અવસરે ઓડિશાના કલાકારે નવદુર્ગા માતાજીના પાંચ ફૂટ ઊંચા પેન્ટિંગ તૈયાર કર્યા છે, જે ગરબા ગ્રાઉન્ડમાં ગોઠવાશે. ઉપરાંત માતાજીનું ભવ્ય મંદિર પણ નિર્માણ પામશે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, નવરાત્રી મારા માટે માત્ર ઉત્સવ નથી, પરંતુ માતાજીની આરાધનાનું પર્વ છે. નવ દિવસ સુધી હું માતાજીની ઉપાસના કરીશ.

હેરિટેજ ગરબાનું પાંચમુ વર્ષ

હેરિટેજ ગરબા આ વર્ષે પોતાના પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. વડોદરાની પરંપરા અને ઓળખ જળવાઈ રહે તે માટે અહીં ગવાતા ગરબાની પસંદગી વિશેષ રિસર્ચ બાદ કરવામાં આવી છે. આ વર્ષે નવા ગરબાઓનો પણ સમાવેશ કરાયો છે. કલાકારોની પસંદગીમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

28,000 ખેલૈયાઓ ભાગ લે તેવી શક્યતા

આ વર્ષે 10 દિવસની નવરાત્રીમાં આયોજકો ખેલૈયાઓ અને દર્શકોને ભવ્ય અને અદભુત અનુભવ કરાવવા માટે પ્રયત્નશીલ છે. અંદાજે 28,000 ખેલૈયાઓ ભાગ લે તેવી શક્યતા છે, અને વરસાદથી બચવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદને કારણે ડાન્સિંગ ગ્રાઉન્ડમાં કોઈ સમસ્યા ન આવે તેવી તકેદારી રાખવામાં આવી છે. આયોજકો લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ લીલા ઘાસથી સુંદર બનાવવામાં આવ્યું છે અને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરક્ષા અને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા

ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની સુરક્ષા અને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગ, મહારાજા પુરતી તેમજ ફતેસિંહ મ્યુઝિયમ પણ આ આયોજન સાથે જોડાયા છે. ખાસ આકર્ષણ રૂપે મહારાષ્ટ્રથી આવેલા મહિલા ઢોલ-ત્રાસા ગ્રૂપ પણ પોતાની કલાત્મક રજૂઆત કરશે. વડોદરાના ગરબાની પરંપરા અને ભવ્યતા જળવાઈ રહે તે માટે લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા આ વર્ષે વિશાળ સ્તરે ખેલૈયાઓને અનોખો અનુભવ કરાવશે.