Vadodara Labh Pancham 2026: દિવાળીના પાંચ દિવસીય મિની વેકેશન બાદ આજે લાભપાંચમના મંગલમય અવસરે સંસ્કારી નગરી વડોદરાના તમામ નાના-મોટા બજારો, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં નવા વેપાર-ધંધાનો વિધિવત પ્રારંભ થયો છે. નૂતન વર્ષ વિક્રમ સંવત 2083 સમગ્ર વેપારી આલમ માટે આર્થિક રીતે ફળદાયી અને સમૃદ્ધિદાયક નીવડે તેવી પ્રાર્થના સાથે વેપારીઓએ પોતાના પ્રતિષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરી મુહૂર્તના સોદા કર્યા હતા. છેલ્લા પાંચ દિવસથી સૂમસામ ભાસતા શહેરના મુખ્ય માર્ગો અને ઐતિહાસિક બજારો આજે વહેલી સવારથી જ ગ્રાહકો અને વેપારીઓની ચહલપહલથી ફરી એકવાર ધમધમતા થયા હતા.
લોકો સોના-ચાંદીના દાગીને લેવા ઉમટ્યા
આજના શુભ દિવસે બાંધકામ ક્ષેત્રે પણ નવો પ્રાણ ફૂંકાયો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા નવી કન્સ્ટ્રક્શન સાઇટોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, શહેરીજનોએ પણ શુભ મુહૂર્તનો લાભ ઉઠાવતા નવા વાહનો અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદીમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આગામી દિવસોમાં શરૂ થઈ રહેલી લગ્નસરાની મોસમને અનુલક્ષીને પરિવારો કપડાં તથા સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે ઉમટી પડ્યા હતા.
બજારોથી લઈને મોલ્સમાં ખરીદીનો માહોલ
પરિણામે, હાથીખાના જેવા જૂના જથ્થાબંધ બજારથી લઈને આધુનિક શોપિંગ મૉલ્સ સુધી ખરીદીનો માહોલ જામ્યો હતો, જ્યારે દુકાનો અને ઓફિસોને સજાવવા માટે ફૂલ બજારમાં પણ સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. જોકે, કેટલાક વેપારીઓએ માત્ર શુકનવંતા મુહૂર્તના સોદા પતાવી પરિવાર સાથે પ્રવાસે જવાનું પસંદ કર્યું હતું.
વેપારીઓએ ચોપડા પૂજાની પરંપરા નિભાવી
આ પ્રસંગે વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશન અને કેટ (CAIT) ગુજરાતના પ્રેસિડન્ટ પરેશ પરીખે રાજ્યભરના વેપારીઓને સંવત ૨૦૮૩ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન કોમ્પ્યુટર અને ડિજિટલ યુગમાં હિસાબો ઓનલાઈન થયા હોવા છતાં, વેપારીઓએ પોતાની મૂળ પરંપરા જાળવી રાખીને ડિજિટલ ઉપકરણોની સાથે પરંપરાગત લાલ ચોપડાનું પણ પૂજન કર્યું હતું.
વેપારીઓએ નવા ચોપડામાં 'શ્રી લાભ ખાતે જમા' અને 'શ્રી લાભ ખાતે ઉધાર' લખીને મિતી દોરવાની વર્ષો જૂની પ્રથા નિભાવી હતી. વધુમાં, આજના જ્ઞાન પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે તેમણે સૌ નાગરિકો પર વિદ્યાની દેવી મા સરસ્વતીની અસીમ કૃપા બની રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.
