Vadodara News: આસો નવરાત્રીની આઠમ અને દશેરાના પવિત્ર તહેવારોને પગલે વડોદરાના પ્રસિદ્ધ ખંડેરાવ માર્કેટમાં ફૂલો ખરીદવા લોકોની ચહલપહલ જોવા મળી રહી છે. માતાજીનો શણગાર, ધાર્મિક પૂજા વિધિ અને હાર-ગજરા બનાવવા માટે બજારમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, જુઈ તથા મોગરા જેવા અનેક પ્રકારના પ્રફુલ્લિત ફૂલોનો જથ્થો વેચાણ અર્થે આવ્યો છે.
જૂઈ અને મોગરાના ભાવ આસમાને
આ વર્ષે ફૂલ બજારમાં જુઈ અને મોગરાના ભાવ સૌથી ઊંચા બોલાઈ રહ્યા છે. ભાવની દ્રષ્ટિએ જુઈનું ફૂલ મોખરે છે, જેના ભાવ પ્રતિ કિલો રુ. 2,000થી રુ. 2,500 સુધી પહોંચી ગયા છે. જ્યારે મોગરાના પ્રતિ કિલોના ભાવ રુ.1,500થી રુ. 2,000 હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક વેપારીનું શું છે કહેવું?
સ્થાનિક ફૂલ વેપારી રાહુલ માળીના જણાવ્યા મુજબ, ગ્રાહકોમાં ગુલાબની માંગ સૌથી વધુ છે, જેનો ભાવ પ્રતિ કિલો રુ. 100થી રુ. 150 અને ગલગોટા રુ. 50થી રુ. 70 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત સફેદ સેવંતી રુ. 400 પ્રતિ કિલો તથા ઇંગ્લિશ ગુલાબ રુ. 200 અને સનફ્લાવર રુ.150થી રુ. 200 પ્રતિ બંડલના ભાવે ઉપલબ્ધ છે.
વેચાણ માટે તૈયાર હાર-ગજરાના ભાવ પર નજર કરીએ તો, સાદો પૂજા હાર રુ. 30થી રુ. 50, ગુલાબનો હાર આશરે રુ. 200, મોગરાનો હાર રુ. 100 અને જુઈનો ગજરો રુ. 70થી રુ. 80માં વેચાઈ રહ્યો છે.
દશેરામાં ગલગોટાની માંગ વધારે
વિજયાદશમી પર ખાસ કરીને ગલગોટાની પ્રચંડ માંગ રહેતી હોવાથી, તેની પહોંચી વળવા માટે વડોદરાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ફૂલોની ભારે આયાત કરવામાં આવી છે. જોકે, ગત વર્ષના સરેરાશ વેચાણની તુલનામાં આ વખતે બજારમાં ગ્રાહકોની ખરીદી થોડી ધીમી ગતિએ ચાલી રહી હોવાનું વેપારીઓ અનુભવી રહ્યા છે. તેમ છતાં, દશેરાના મુખ્ય દિવસે બજારમાં મોટો ઉછાળો આવશે તેવી સકારાત્મક આશા વેપારી આલમ રાખીને બેઠો છે.
