Vadodara: કરજણ NH-48 પર બામણગામ પાસે રીક્ષા પલટી, ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત

આ ભયાનક અકસ્માતમાં અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 23 Aug 2026 04:25 PM (IST)Updated: Sun, 23 Aug 2026 04:25 PM (IST)
vadodara-karjannh48-accident-auto-rickshaw-overturns-near-bamangam-woman-death
Vadodara NH48 Rickshaw Accident

Vadodara NH48 Rickshaw Accident: વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કરજણ તાલુકાના બામણગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી પેસેન્જર રિક્ષા અચાનક રોડ પર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બામણગામ પાસેથી પસાર થઈ રહેલી પેસેન્જર રીક્ષાના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા વાહન અનિયંત્રિત થઈને પલટી ગયું હતું. રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રીક્ષાપલટી જવાથી મુસાફરો રોડ પર ફંગોળાઈ ગયા અને લોહીલુહાણ હાલતમાં મદદ માટે ચીસાચીસ કરવા લાગ્યા હતા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ બાબતની જાણ ઈમરજન્સી સેવા 108 અને સ્થાનિક પોલીસને કરી હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક મુસાફરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

108 એમ્બ્યુલન્સની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્ત મુસાફરને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ સ્ટેશનનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અકસ્માતના કારણે નેશનલ હાઈવે-48 પર થોડા સમય માટે વાહનવ્યવહાર નોંધપાત્ર રીતે પ્રભાવિત થયો અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ત્વરિત કામગીરી કરીને ટ્રાફિક હળવો કરાવ્યો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો. હાલ કરજણ પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો તે દિશામાં વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.