વડોદરામાં નશેડીઓનો આતંક: કાલાઘોડા બ્રિજ પર દારૂના નશામાં ચૂર થાર ચાલકે સર્જ્યો અકસ્માત

વડોદરાના કાલાઘોડા બ્રિજ પર દારૂના નશામાં ચૂર થાર ગાડીના ચાલકે પાલિકાનું દિવાળી ડેકોરેશન સ્ટ્રક્ચર તોડી પાડ્યું. પોલીસે નશેડીઓની અટકાયત કરી કારમાંથી દારૂની બોટલો જપ્ત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 12:23 PM (IST)Updated: Thu, 05 Nov 2026 12:23 PM (IST)
vadodara-kalaghoda-bridge-thar-accident-drunk-driving-diwali-structure-destroyed-sayajiganj-police

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના કાગળ પરના દાવાઓની પોલ ખોલતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરમાં બેફામ બનતા નશેડીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ ગઈકાલે રાત્રે કાલાઘોડા બ્રિજ પર જોવા મળ્યું હતું. દારૂના નશામાં ચૂર એક થાર ગાડીના ચાલકે બેફામ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરી ગઝબનો અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું સુંદર સ્ટ્રક્ચર ક્ષણભરમાં જમીનદોસ્ત થઈ ગયું હતું.

નશામાં ધૂત ચાલકે બેફામ થાર ચલાવી

ગઈકાલે મોડી રાત્રે કાલાઘોડા બ્રિજ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલી એક થાર ગાડીનો ચાલક પોતાની ગાડી પરનો કાબૂ ખોઈ બેઠો હતો. નશામાં એટલો બધો ચૂર હતો કે, તેણે સીધી જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના ઉત્સવ નિમિત્તે શહેરીજનોના આકર્ષણ માટે લગાડેલી સુશોભિત ડેકોરેશનના સ્ટ્રક્ચરમાં કાર ધડાકાભેર અથડાવી દીધી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પાલિકાનું તે સુંદર સ્ટ્રક્ચર તૂટીને ગયું અને જમીનદોસ્ત થઈ ગયું. સદભાગ્યે, રાત્રે મોડો સમય હોવાના કારણે આસપાસ કોઈ રાહદારી કે વાહનચાલક હાજર ન હતો, નહિતર કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત.

થારમાં દારુની બોટલો મળી આવી

અકસ્માતની આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ કાર ચાલકની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા જ્યારે થાર ગાડીની તલાશી લેવામાં આવી, ત્યારે અંદરથી દારૂની બોટલો અને ખાલી ગ્લાસ મળી આવ્યા હતા, જે સ્પષ્ટ સાબિતી આપતા હતા કે ચાલક અને તેના સાથીદારો દારૂના ભારે નશામાં ગુંડાગીરી કરી રહ્યા હતા.

પોલીસે નશામાં ધૂત ચાલકની અટકાયત કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ધૂત થાર ચાલક તેમજ તેની સાથે ગાડીમાં સવાર અન્ય એક શખ્સની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના કારણે વડોદરાના નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.