વડોદરાની હોટેલમાં ગે યુવકના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ: ઘટનાસ્થળે બે નહીં પરંતુ 3 યુવકો હાજર હોવાનું ખુલ્યું

મૃતક ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયર એ અન્ય એક યુવક ભુવન રાવલને પણ મેસેજ કરીને હોટેલ પર બોલાવ્યો હતો, જે તે સમયે ત્યાં હાજર હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 21 Aug 2026 12:27 PM (IST)Updated: Fri, 21 Aug 2026 12:27 PM (IST)
vadodara-hotel-death-case-police-find-three-men-were-present-in-room-not-two

Vadodara News: વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટેલ વિન્ટેજ ઈનમાં બુધવારે સવારે રૂમ નંબર 302માંથી પાણીગેટ વિસ્તારના યુવકના રહસ્યમય મોત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. શરૂઆતમાં બે યુવકો હોટેલમાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે ઘટના સમયે રૂમમાં બે નહીં પરંતુ કુલ ત્રણ સમલૈંગિક યુવકો હાજર હતા.

પાણીગેટ ખાટકીવાડ વિસ્તારના ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ બુધવારે મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યે હોટેલ પહોંચ્યા હતા અને શરૂઆતમાં રૂમ નંબર 304 બુક કરાવ્યો હતો. રાત્રિ દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારામાં વોશરૂમ જતા સમયે ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરને ઠોકર વાગતા તે નીચે પટકાયા હતા, જેથી માથા અને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. આ કારણે હોટેલ સ્ટાફની મદદથી બંનેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સવારે લગભગ સાત વાગ્યે કિશન વસાવાએ રિસેપ્શન પર આવીને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવા માટે બૂમાબૂમ કરી હતી. ૧૦૮ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયર મૃત જાહેર કરાયા હતા. આ કેસમાં રાવપુરા પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જો કે કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખીને વિસેરા અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

એસીપી અશોક રાઠવાના જણાવ્યા અનુસાર મહેશના શરીર પર ઝપાઝપી કે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. મૃતકે કે અન્ય યુવકે કોઈ નશો કે વાયગ્રા લીધી હતી કે કેમ તે અંગે પણ સસ્પેન્સ યથાવત છે. મૃતક ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયર એ અન્ય એક યુવક ભુવન રાવલને પણ મેસેજ કરીને હોટેલ પર બોલાવ્યો હતો, જે તે સમયે ત્યાં હાજર હતો. પોલીસે આ ત્રીજા યુવક ભુવન રાવલની પણ પૂછપરછ કરી છે અને બંને યુવકોના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હોટેલમાં રોકાયેલા મુખ્ય યુવકો પરિણીત હતા. મૃતક યુવક પણ પરિણીત હતો, જ્યારે બીજા યુવકનો છૂટાછેડાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે અને પતિ-પત્ની અલગ રહે છે. પરિવારજનો પણ આ પ્રકારના સંબંધો અને અણધારી ઘટનાની જાણ થતાં સ્તબ્ધ થઈ ગયા છે. હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે મોતનું સાચું કારણ બહાર આવે તેની રાહ જોઈ રહી છે.