Vadodara Heavy Rain: આજે 19 સપ્ટેમ્બર, શુક્રવારે વહેલી સવારથી જ વડોદરાના હવામાનમાં પલટો આવ્યો અને કાળાડિબાંગ વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર શહેરમાં ગાઢ અંધારપટ છવાઈ ગયો હતો. પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદે શહેરના તમામ વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા.
વડોદરા શહેરના મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ સહિત તમામ ઝોનમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શહેરના સયાજીગંજ, રાવપુરા, અકોટા, ગોત્રી, નિઝામપુરા, છાણી અને ફતેહગંજ સહિતના પોશ તેમજ વેપારી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા સમયના વિરામ બાદ અચાનક શરૂ થયેલા આ વરસાદી માહોલને કારણે સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી નાગરિકોને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી.
આ પણ વાંચો
જોકે, વહેલી સવારના પીક અવર્સ દરમિયાન જ વરસાદ શરૂ થતાં નોકરિયાતો, શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. અનેક જગ્યાએ વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સર્જાયેલી સ્થાનિક સિસ્ટમના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે. ચોમાસાની જમાવટથી એક તરફ ખેડૂતો અને સામાન્ય જનતામાં આનંદની લહેર દોડી ગઈ છે. બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાતાવરણમાં પ્રસરેલી ઠંડક અને વરસાદી માહોલ હજુ પણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
