Vadodara News: કોઈના હાથમાં માઈક છે, તો કોઈ કેમેરા સામે ઉત્સાહથી સમાચાર વાંચી રહ્યું છે. આ દ્રશ્યો કોઈ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોના નથી, પરંતુ વડોદરાની સરકારી શાળાના બાળકો દ્વારા જ ચાલતીઅનોખી દુનિયાના છે. વડોદરામાં બાળકોની છૂપી પ્રતિભાને યોગ્ય મંચ અને નવી ઓળખ આપવા માટે એક અનોખો 'પ્રતિભા સ્ટુડિયો' તૈયાર કરવામાં આવ્યો છે, જેણે શિક્ષણ જગતમાં ભારે આકર્ષણ જગાવ્યું છે.
ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં આ પ્રકારે પ્રતિભા સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટુડિયોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સંચાલન અને વહીવટ વિદ્યાર્થીઓ જાતે જ સંભાળે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે જીવનમાં ઉપયોગી થાય તેવું વ્યવહારુ અને પ્રાયોગિક શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો

આ સ્ટુડિયોમાં બાળકોને કેમેરા હેન્ડલિંગ, ન્યૂઝ રીડિંગ, ઈન્ટરવ્યૂ લેવા, ડિબેટ કરવી અને અસરકારક સંવાદ સાધવાની આધુનિક કળાઓનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ ‘પ્રતિભા ન્યૂઝ’ નામની પોતાની નાનકડી ન્યૂઝ ચેનલ પણ ચલાવી રહ્યા છે, જેમાં સમાચાર સંકલનથી લઈને કેમેરા અને પ્રસ્તુતિ સુધી તમામ જવાબદારી બાળકો જ નિભાવે છે.
અત્યાર સુધીમાં 300થી વધુ બાળકો આ સ્ટુડિયોના માધ્યમથી વિવિધ મીડિયા પ્રવૃત્તિઓની તાલીમ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યા છે. આ પ્લેટફોર્મ માત્ર સ્ટુડિયો પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને જાહેર જીવનના પદાધિકારીઓ અને વિવિધ રાષ્ટ્રીય મુદ્દા સાથે સીધા જોડવાની ઉત્તમ તક પૂરી પાડે છે.

વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર સાથે મળીને મતદાન જાગૃતિ સંદેશ પર પોડકાસ્ટ કર્યો, તો સાંસદ સાથે 'વિકસિત ભારત'ના વિઝન અંગે સાર્થક ચર્ચા કરી છે. આ ઉપરાંત, વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર સાથે પણ બાળકોએ સવાલ-જવાબ દ્વારા ઊંડાણપૂર્વક સંવાદ સાધ્યો છે.
આ તાલીમ વિદ્યાર્થીઓને માત્ર બોલવાની કળા જ નહીં, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નોને ગંભીરતાથી સમજવાની દ્રષ્ટિ પણ આપે છે. શાળામાં ઉજવાતા વિવિધ મહત્વના દિવસો અને ઉત્સવો અંગે વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા કામે લગાડીને આકર્ષક રીલ્સ અને વિડિયો પણ તૈયાર કરે છે.

આમ, પ્રતિભા સ્ટુડિયો બાળકોને પોતાની વાત બેધડક રજૂ કરવાનું મંચ પૂરું પાડવાની સાથે તેમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, નેતૃત્વ ગુણો અને કમ્યુનિકેશન સ્કિલ વિકસાવવાનું એક સબળ માધ્યમ બની રહ્યો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓની આ સફળતા અને ખુશી આજે તેમના ચહેરા પર સ્પષ્ટપણે ઝળકી રહી છે, જે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ છે.
