Salim Dola Arrested: વર્ષ 2022 માં વડોદરાથી ઝડપાયેલા ₹473 કરોડના ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર સલીમ ડોલાની તુર્કીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી સલીમ ડોલા વિદેશમાં બેસીને ભારતમાં ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. સલીમ ડોલાના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેક્શન અંગે પણ ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવશે.
સલીમ ડોલા સામે ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. સલીમ તુર્કીમાં હોવાની જાણ થતાં જ તેની ધરપકડ કરી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત ATS દ્વાર કબજો મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે. સલીમ સામે મુંબઈ અને ભોપાલ સહિત અલગ અલગ જગ્યાએ 15 થી વધુ ગુના નોંધાયેલા છે.
વડોદરા ડ્રગ્સ કેસ અને સલીમની સંડોવણી
વર્ષ 2022 માં ગુજરાત ATS ટીમે વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ કરીને MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી શોધી કાઢી હતી. આ ફેક્ટરીમાંથી ₹473 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી સૌમિલ પાઠક સાથે સલીમ ઈસ્માઈલ ડોલા અગાઉ મુંબઈની જેલમાં બંધ હતો. જેલમાં સૌમિલ અને સલીમ સંપર્કમાં આવ્યા બાદ બંનેએ ભેગા મળીને MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. આ ડ્રગ સલીમના સાગરીત અહેમાન શેખપુર સુધી પણ પહોંચાડ્યું, અને આ જ કેસમાં સલીમ ડોલા વોન્ટેડ જાહેર થયો હતો.
આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને કામગીરીની પદ્ધતિ
સલીમ વિદેશમાં રહીને ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો. આથી તેની ધરપકડ કરવા માટે ગુજરાત ATS ટીમની વિનંતીથી ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈસ્યુકરી હતી અને આંતરરાષ્ટ્રીય સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. તે તુર્કીમાં હોવાની માહિતી મળતા તુર્કીથી તેની ધરપકડ કરીને ડિપોર્ટ કરવામાં આવ્યો અને ગુજરાત ATS ટીમે તેની કસ્ટડી લીધી હતી.
સલીમની પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે તે અગાઉ ઈકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને કામ કરતો હતો. 1990ના દાયકામાં જ્યારે ઈકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો હતો, ત્યારે સલીમ તેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.
ગુનાહિત ઈતિહાસ, દાઉદ કનેક્શનની તપાસ
સલીમ ડોલા સામે મુંબઈ, ભોપાલ અને ઈડી (ED) સહિત અલગ અલગ એજન્સીઓ સમક્ષ 15 થી વધુ ગુના નોંધાયેલા છે. ગુજરાતમાં પણ 473 કરોડના ડ્રગ્સ ફેક્ટરી કેસમાં તેની સંડોવણી સામે આવ્યા બાદ ATS દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, સલીમ ડોલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના સીધા સંપર્કમાં હતો કે કેમ તે અંગે પણ તપાસ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
