વડોદરા: શાળા બહાર વિદ્યાર્થીને બચાવવા ગયેલા પટાવાળા પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો

ગોત્રીની ગાયત્રી વિદ્યાલય બહાર વિદ્યાર્થીને બચાવવા વચ્ચે પડેલા 45 વર્ષીય પટાવાળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો. ઇજાગ્રસ્તને માથામાં પાંચ ટાંકા આવ્યા અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 03:41 PM (IST)Updated: Thu, 29 Oct 2026 03:41 PM (IST)
vadodara-gotri-school-peon-attack-sharp-weapon-student-rescue

Vadodara News: વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શાળા બહાર એક હિંસક ઘટના સામે આવી છે. ગોત્રી પાણીની ટાંકી પાસે આવેલી ગાયત્રી વિદ્યાલયના ગેટ બહાર વિદ્યાર્થીને અસામાજિક તત્વોના ત્રાસમાંથી છોડાવવા વચ્ચે પડેલા શાળાના પટાવાળા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પટાવાળાને તાત્કાલિક ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે.

કેટલાક તત્વોએ વિદ્યાર્થીને ઘેરી લીધો

મળતી વિગતો અનુસાર, ગોત્રી રોડ પર આવેલ મારુતિ ટેનામેન્ટમાં રહેતા 45 વર્ષીય મુકેશકુમાર જયંતિલાલ પટેલ છેલ્લા કેટલાક સમયથી ગાયત્રી વિદ્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. ગતરોજ બપોરના આશરે બે થી અઢી વાગ્યાના સુમારે શાળાના એક વિદ્યાર્થીએ શિક્ષકોને આવીને જાણ કરી હતી કે શાળાના ગેટની બહાર કેટલાક અજાણ્યા અને ઉશ્કેરાયેલા લોકોએ એક વિદ્યાર્થીને ઘેરી લીધો છે. તેની સાથે ગાળાગાળી તથા બોલાચાલી કરી રહ્યા છે.

પટાવાળાએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો

આ બાબતની ગંભીરતા સમજીને પટાવાળા મુકેશકુમાર પટેલ તથા શાળાના શિક્ષક મનીષભાઈ ભગવાનદાસ પટેલ તાત્કાલિક શાળાના મુખ્ય ગેટ બહાર દોડી ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થીને ટોળાના ચંગુલમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને બચાવવા જતાં જ ટોળામાં હાજર 'ચકો' નામના શખ્સ તથા તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશકુમાર સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો.

આરોપીએ પટાવાળા પર કર્યો હુમલો

ઝપાઝપી દરમિયાન ચકો નામના શખ્સે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર જેવા સાધન વડે મુકેશકુમારના માથાના ભાગે સીધો ઘા ઝીંકી દીધો હતો. આ ઉપરાંત તેની સાથે રહેલા અન્ય બે શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાના કારણે મુકેશકુમારના માથામાંથી લોહી વહેવા લાગતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર

ઘટના બાદ હુમલાખોરો મુકેશકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ પર હાજર સ્થાનિકોમાંથી કોઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં ઇજાગ્રસ્ત પટાવાળાને સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ માથામાં પાંચ ટાંકા લીધા હતા. આ અંગે મુકેશકુમાર પટેલે ચકો તથા બે અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.