વડોદરામાં PNG ગેસ સપ્લાય ખોરવાશે, 30 ઓક્ટોબર સુધી આ વિસ્તારોમાં પડશે અસર

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ટેકનિકલ સુધારણાને કારણે શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં આજે રાત્રે 10 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી 8 કલાક માટે PNG ગેસ પુરવઠો ખોરવાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 02:48 PM (IST)Updated: Thu, 29 Oct 2026 02:48 PM (IST)
vadodara-png-supply-disruption-several-areas-to-face-temporary-shortage-until-october-30

Vadodara PNG Supply Disruption: સંસ્કારી નગરી વડોદરામાં ગેસ વિતરણ કરતી મુખ્ય કંપની 'વડોદરા ગેસ લિમિટેડ' દ્વારા ટેકનિકલ સુધારણા અને ઓનલાઇન જોડાણની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે સ્ટેશન પર ઓનલાઇન કનેક્ટિવિટીનું સિંક્રોનાઇઝેશન કરવાનું હોવાથી, શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નેચરલ ગેસ ના પુરવઠા પર સીધી અસર પહોંચવાની શક્યતા વર્તાઈ રહી છે.

કેટલા વાગ્યા સુધી શટડાઉન?

કંપનીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટેકનિકલ કામગીરી માટે આજે રાત્રે 10:00 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 6:00 વાગ્યા સુધી આશરે 8 કલાક માટે ગેસ નેટવર્ક પર શટડાઉન લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પાઇપલાઇનમાં ગેસનું દબાણ ખૂબ જ ઘટી જશે અથવા તો કેટલાક વિસ્તારોમાં ગેસ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.

કયા વિસ્તારોમાં પડશે અસર?

આ શટડાઉનની મુખ્ય અસર વાઘોડિયા રોડ, સરદાર એસ્ટેટ, ગાજરાવાડી રોડ, કપુરાઈ રોડ તેમજ માંજલપુર અને તરસાલીના મોટાભાગના રહેણાંક વિસ્તારો અને તેની આસપાસની સોસાયટીઓમાં જોવા મળશે.

ગ્રાહકોને અપાઈ ખાસ સલાહ

રાત્રિના સમયે ગેસનું પ્રેશર ઘટી જવાની સંભાવના હોવાથી, ગ્રાહકોને કોઈ અગવડતા ન પડે તે માટે VGL દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રસોઈ માટે અગાઉથી તૈયારી કરી રાખે અથવા ઈન્ડક્શન કૂકર, ઈલેક્ટ્રિક સગડી કે અન્ય વૈકલ્પિક સાધનોની વ્યવસ્થા રાખે જેથી અગવડથી બચી શકાય.

કંપનીના તકનીકી કર્મચારીઓ દ્વારા નિર્ધારિત સમયમાં જોડાણનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા પછી તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં પૂર્વવત અને યોગ્ય દબાણ સાથે ગેસ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે, જેથી નાગરિકો સામાન્ય રીતે ફરીથી ગેસનો ઉપયોગ કરી શકશે.