Vadodara News: વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગતરોજ બપોરે બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. દારૂના ધંધાની હરીફાઈ અને જૂની પૂર્વદુશ્મનાવટના કારણે જય ઉર્ફે ટિંકુ નામના શખ્સે યુવરાજસિંહ ડોડિયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. જોકે, ઝોન-2 એલસીબી અને ગોત્રી પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ આ ખૂની ખેલ ખેલનાર મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે.
ઘટનાની વિગતો મુજબ, ગોત્રી વિસ્તારમાં ગતરોજ બપોરના સુમારે આરોપી જય ઉર્ફે ટિંકુએ પોતાના હાથમાં રહેલા ખંજર વડે યુવરાજસિંહ પર ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંક્યા હતા. અણધાર્યા અને આક્રમક હુમલાના કારણે યુવરાજસિંહ સ્વબચાવ કરી શક્યા ન હતા અને ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ખંજરના ઊંડા ઘા વાગવાને કારણે યુવરાજસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હુમલાખોર પળભરમાં જ મોકો જોઈને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો
બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને ગુનો નોંધ્યો હતો. આ સનસનાટીભરી ઘટનાને પગલે પોલીસ કમિશનરની સૂચનાથી અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. ઝોન-2 એલસીબી સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી જય ઉર્ફે ટિંકુને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
હત્યાને અંજામ આપીને નાસી છૂટેલા આરોપીને વધુ પૂછપરછ માટે ગોત્રી પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ખૂની ખેલ પાછળ દારૂના ધંધાની આંતરિક હરીફાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પણ સઘન તપાસ શરૂ કરી છે.
