Vadodara Railway Gift: વડોદરાના પ્રતાપનગરથી મધ્ય પ્રદેશના તાંડા રોડ વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે રેલવે પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા રેલવે મંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતના પરિણામે આ બંને સ્ટેશનો વચ્ચે નવી મેમુ ટ્રેન શરૂ કરવાની મંજૂરી મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્ર લખીને આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાનના હસ્તે આ નવી ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે.
દૈનિક મુસાફરો અને વેપારીઓને મળશે મોટો ફાયદો
સ્થાનિક કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી પ્રતાપનગર અને તાંડા રોડ વચ્ચે આવનજાવન કરતા નોકરીયાતો, વેપારીઓ અને ગ્રામીણ મુસાફરોને મોટી સવલત મળશે. આ નવી મેમુ ટ્રેન 'ટ્રેન નંબર 69105 અને 69106' તરીકે નિયમિતપણે દોડાવવામાં આવશે.
વડોદરા થઈને ઉદયપુર માટે દોડશે વંદે ભારત ટ્રેન
આ ઉપરાંત સાંસદ ડો. હેમાંગ જોશીએ અન્ય એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડોદરાથી નાથદ્વારા અને ઉદયપુર તરફ જવા માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તેવી નાગરિકોની પ્રબળ માંગણી હતી. આ મામલે પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે, અગાઉ અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં સુધારો કરીને હવે વડોદરાને પણ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં, મુસાફરોની સુવિધા માટે સુરતથી ઉદયપુર સુધીની એક નવી વંદે ભારત ટ્રેન પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે વડોદરા થઈને પસાર થશે.
વડાપ્રધાનના આગમન પૂર્વે જ રેલવે ક્ષેત્રે મળેલી આ ભેટથી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છે. પ્રતાપનગર-તાંડા રોડ મેમુ ટ્રેનના પ્રારંભથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારો વચ્ચેનો વ્યાપાર તથા અવરજવર વધુ સરળ બનશે. સાંસદના સક્રિય પ્રયાસો અને રેલવે મંત્રીના સહકારથી ક્ષેત્રના રેલવે માળખામાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળશે.
