Vadodara Food Safety Raid: વડોદરા મહાનગરપાલિકા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અને અસ્વચ્છતા ફેલાવતા વેપારીઓ સામે આક્રમક મોડમાં આવ્યું છે. VMC ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ પર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો.
મળતી માહિતી મુજબ, ખોરાક શાખાની ટીમે પૂર્વ ઝોન વિસ્તારમાં વ્યાપક તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ તપાસ દરમિયાન ખોડીયાર નગર ખાતે આવેલી જાણીતી ‘સાઈ કૃપા પંજાબી ખાના’ માં ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. એકમમાં તપાસ દરમિયાન કિચનમાં ગંદકી અને હાઈજીનના પ્રાથમિક નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થાય તેવી સ્થિતિ જોવા મળી હતી.
વિશેષ તપાસ દરમિયાન, સાઈ કૃપા પંજાબી ખાનામાંથી આરોગ્ય માટે હાનિકારક ગણાતા ‘અજીનોમોટો’ (મોનોસોડિયમ ગ્લુટામેટ - MSG) નો જથ્થો મળી આવ્યો હતો. ખોરાકમાં સ્વાદ વધારવા માટે વપરાતો આ રસાયણયુક્ત પદાર્થ માનવ શરીર, ખાસ કરીને પાચનતંત્ર અને હૃદય માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. મનપાની ટીમે વિલંબ કર્યા વગર આરોગ્ય માટે જોખમી એવા આજીનોમોટો જથ્થાને સ્થળ પર જ નાશ કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, “શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરી અસ્વચ્છ વાતાવરણમાં ખોરાક બનાવતા કે હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરતા વેપારીઓને સાંખી લેવામાં આવશે નહીં. ભેળસેળ અને અયોગ્ય સામગ્રીનો ઉપયોગ કરનારા તત્વો સામે તંત્ર આગામી દિવસોમાં પણ શહેરના અન્ય ઝોનમાં આ પ્રકારની આકસ્મિક તપાસ અને દરોડાની કામગીરી વધુ તેજ બનાવશે.”
