Vadodara News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક દાહોદ હાઈવે પર આવેલા ભથવાડા ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ તરફ લગ્ન પ્રસંગે જઈ રહેલા એક જ પરિવારની કાર અચાનક બેકાબૂ બની રેલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ચક્કા હવામાં ઊંચા ઉછળ્યા અને તેમાં સવાર તમામ લોકો કારમાંથી ફેંકાઈને બહાર ખેતરમાં પટકાયા હતા.
કાર હાઈવેની સાઈડ રેલિંગ કૂદીને ખેતરમાં ફંગોળાઈ
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના આજવા રોડ પર આવેલી ઓમકાર સોસાયટીમાં રહેતા શાહ પરિવારના નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહ વહેલી સવારે કારમાં મુસાફરી કરતા મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સવારે ગોધરા નજીક સંતરોડ ગામ પાસે ભથવાડા ટોલનાકા આગળથી પસાર થતી વખતે ડ્રાઇવરે અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા કાર હાઈવેની સાઈડ રેલિંગ કૂદીને ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી.
કાર સવાર પાંચ સભ્યો ઉછળીને બહાર પડ્યા
આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો અને અંદર સવાર પાંચેય વ્યક્તિઓ કારમાંથી ઉછળીને બહાર પડ્યા હતા. ઘટનાસ્થળે ભારે ચીખપુકાર મચી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી. તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલતને પગલે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ હાઈવે પરના વળાંક સમયે ઓવરસ્પીડ અને અચાનક બ્રેક મારવાથી કાર બેકાબૂ બની ગઈ હોવાનું જણાય છે. આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને બાદમાં નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
