Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી ગઠિયા ગેંગ ફરી સક્રિય થઈ છે. શહેરના છાણી વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપીને એક વૃદ્ધ સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
‘આગળ મર્ડર થયું છે, દાગીના થેલીમાં મૂકી દો’ કહી ડરાવ્યા
મળતી માહિતી મુજબ, આ ઘટના છાણી વિસ્તારમાં આવેલા મિલેનિયમ અને પ્લેટિનિયમ સાઇટ કન્સ્ટ્રક્શન વાળા રોડ પર બની હતી. એક વયસ્ક નાગરિક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. બંને શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને વૃદ્ધ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માગી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગઠિયાઓએ વૃદ્ધને ભયમાં મૂકતા જણાવ્યું હતું કે,
“આગળના રસ્તે એક મર્ડર થયું છે અને વિસ્તારમાં મર્ડર ગેંગ સક્રિય બનીને ફરી રહી છે. જેથી તમે પહેરેલા સોનાના દાગીના ઉતારીને થેલીમાં સુરક્ષિત મૂકી દો.”
નકલી પોલીસની વાતમાં આવી ગયેલા સિનિયર સિટીઝને પોતાના હાથમાં પહેરેલી ૨ તોલાની સોનાની વીંટી અને ગળામાંથી 2 તોલાની સોનાની ચેન ઉતારીને થેલીમાં મૂકી દીધી હતી.
નજર ચૂકવી દાગીના સેરવ્યા, કાગળમાંથી નીકળ્યો પાનનો માવો
ત્યારબાદ ગઠિયાઓએ "દાગીના કાગળમાં વ્યવસ્થિત પેક કરી આપીએ" તેમ કહી વૃદ્ધની નજર ચૂકવી દીધી હતી અને ક્ષણવારમાં સોનાની ચેન તથા વીંટી સેરવી લીધી હતી. ગઠિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા બાદ વૃદ્ધે શંકા જતાં કાગળ ખોલીને જોયું તો તેમના હોશ ઊડી ગયા હતા. કાગળમાંથી સોનાના દાગીનાના બદલે માત્ર પાનનો માવો નીકળ્યો હતો.
પોતે છેતરાયા હોવાની જાણ થતાં વૃદ્ધે તાત્કાલિક છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. છાણી પોલીસે અજાણ્યા ઠગબાજો સામે ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
