વડોદરાના પોર GIDCમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 10,000 લિટર શંકાસ્પદ જથ્થો અને ટેન્કર સીઝ

વડોદરાના પોર GIDC સ્થિત ચાલીસા ફૂડ્સમાં યુવરાજસિંહ જાડેજા અને FDCA દ્વારા દરોડો પાડી પામોલીન તેલમાંથી બનતું 10,000 લિટર નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 12:17 AM (IST)Updated: Mon, 19 Oct 2026 12:17 AM (IST)
vadodara-fake-ghee-scam-10000-liters-seized-at-chalisa-foods

Vadodara Fake Ghee Scam: ઔદ્યોગિક વિસ્તાર પોર GIDC સ્થિત રમણગામડીમાં આવેલા ચાલીસા ફૂડ્સ નામના એક જ યુનિટમાંથી પામોલીન તેલ અને કેમિકલ્સના મિશ્રણથી શુદ્ધ દેશી ગાયના ઘીના નામે બોગસ ઘી બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા અને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની ટીમે સ્થળ પર દરોડો પાડીને 10,000 લિટર શંકાસ્પદ ઘી ભરેલું આખેઆખું ટેન્કર તેમજ લાખો રૂપિયાનો પેક કરેલો જથ્થો ઝડપી પાડ્યો છે.

અડધો ડઝન જાણીતી બ્રાન્ડ્સના નામે થતું હતું ગેરકાયદે પેકિંગ

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં લૂઝ ઘી અને પામોલીન તેલ આધારિત મિશ્રણ લાવીને તેને ઘી જેવી સુગંધ અને દાણાદાર ટેક્સચર આપવા માટે ઔદ્યોગિક પ્રોસેસિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ એક જ સ્થળેથી અલગ-અલગ અડધો ડઝન જેટલી જાણીતી બ્રાન્ડ્સના નામે પેકિંગ કરવામાં આવતું હતું. સ્થળ પરથી "ગિરધન", "ઘી કિંગ", "અમૃત ઘી", "રાધા કેશવ", "રત્નાગિરી" અને "શ્રી વિંધ્યાંચલ" જેવી બ્રાન્ડ્સના 15 કિલોના ડબ્બા, જાર અને પાઉચનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આ તમામ બોક્સ પર 'CHALISA FOODS' લખેલી સિક્યુરિટી ટેપનો ઉપયોગ થતો હતો.

naidunia_image

ગુજરાત અને રાજસ્થાન સુધી ફેલાયેલું હતું સપ્લાય નેટવર્ક

આ તૈયાર માલ ગુજરાતના અમદાવાદ અને સુરત ઉપરાંત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હતી. નોંધનીય બાબત એ છે કે અગાઉ પણ આ કંપની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં બેફામ બનીને લોકોના આરોગ્ય સાથે બેરોકટોક ખિલવાડ કરવામાં આવી રહ્યો હતો.

naidunia_image

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નફાખોરો સામે કડક કાર્યવાહીની માંગ

પવિત્ર ગાયના ઘીના નામે પામોલીન તેલ ખવડાવીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા નફાખોરો સામે સ્થાનિકો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ઉત્પાદકો, સુરત-અમદાવાદ અને જયપુરના માર્કેટીંગ ધારકો તથા વિતરકો સામે કડક ફોજદારી કલમો હેઠળ બિનજામીનપાત્ર ગુનો નોંધી જેલભેગા કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

naidunia_image