વડોદરામાં વિજયાદશમીની ઉજવણીઃ ફાફડા-જલેબી ખરીદવા નિઝામપુરા સહિતના વિસ્તારોમાં લોકોની લાંબી કતારો

કોઈ દુકાને લાઈન શેરીઓ સુધી પહોંચી ગઈ હતી, તેમ છતાં લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઓટ આવી નહોતી. મોડી રાતથી જ કંદોઈઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સવાર પડતાં જ ઘમઘમાટ શરૂ થઈ ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 Oct 2026 12:32 PM (IST)Updated: Tue, 20 Oct 2026 12:32 PM (IST)
vadodara-dussehra-2026-long-queues-for-fafda-jalebi-across-the-city

Vadodara Dussehra 2026: અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા)ના પર્વની આજે સંસ્કારીનગરી વડોદરામાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના નવ નોરતા પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની ગુજરાતીઓની પરંપરા દાયકાઓ જૂની છે. આ પરંપરાને જાળવી રાખવા માટે આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના તમામ પ્રમુખ વિસ્તારોમાં આવેલા ફરસાણ વેપારીઓની દુકાનો પર લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.

નિઝામપુરામાં ફાફડા-જલેબી માટે ઘેલું

શહેરના ઉત્તર વિસ્તાર એવા નિઝામપુરામાં આવેલી જાણીતી ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ લોકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. દશેરાના દિવસે ગરમાગરમ ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનો સ્વાદ માણવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર જોવા મળ્યા હતા. કોઈ દુકાને લાઈન શેરીઓ સુધી પહોંચી ગઈ હતી, તેમ છતાં લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઓટ આવી નહોતી. મોડી રાતથી જ કંદોઈઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સવાર પડતાં જ ઘમઘમાટ શરૂ થઈ ગયો હતો.

naidunia_image

દશેરા પર ફાફડા-જલેબી ખાવાનું મહત્વ

શાસ્ત્રો અને આયુર્વેદ મુજબ, શરદઋતુના આગમન સાથે શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે, જેને સંતુલિત કરવા માટે જલેબી જેવા મધુર પદાર્થનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસના ઉપવાસ કે જાગરણ બાદ શરીરને ત્વરિત ઊર્જા આપવા માટે ચણાના લોટમાંથી બનતા ફાફડા અને ગળ્યા પદાર્થનું સંયોજન સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રી રામે પણ રાવણ પર વિજય મેળવ્યા બાદ શશકુલી (જલેબી) જેવી મીઠાઈથી વિજયોત્સવ મનાવ્યો હતો. આમ, ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ દશેરા પર ફાફડા-જલેબીનું વિશેષ મહત્વ છે.

ભાવમાં કિલોએ રૂ.100નો વધારો

ચાલુ વર્ષે મોંઘવારીની અસર દશેરાના ફાફડા-જલેબીના સ્વાદ પર પણ જોવા મળી છે. કાચા માલ, બેસન, તેલ અને શુદ્ધ ઘીના ભાવમાં થયેલા વધારાને કારણે કંદોઈઓ દ્વારા ગત વર્ષની સરખામણીએ ફાફડા અને જલેબીના ભાવમાં કિલોદીઠ રૂ.100નો સીધો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફાફડા રૂ.900 પ્રતિ કિલો અને શુદ્ધ ઘીની જલેબી રૂ.1000 પ્રતિ કિલો વેચાઈ રહી છે.

પરંપરા અને સંસ્કૃતિ આગળ મોંઘવારી ફાડી પડી

ભાવમાં થયેલા આ વધારા છતાં વડોદરાવાસીઓના ઉત્સવપ્રિય મિજાજમાં કોઈ ફેર પડ્યો નથી. લોકોનું કહેવું છે કે "દશેરા વર્ષમાં એક જ વાર આવે છે અને મોંઘવારી ગમે તેટલી હોય, પરંતુ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાઈને તહેવાર મનાવવાની પરંપરા અમે છોડી શકીએ નહીં."