Vadodara Theft News: દિવાળી પર્વ ટાણે જ તસ્કરો બેફામ બન્યા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના દશરથ તથા હરણી વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા છે, જેને પગલે નાગરિકોમાં ભય અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે.
તસ્કરો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા
પ્રથમ ઘટનામાં, દશરથ ખાતે આવેલી 'રામા રેસિડેન્સી'માં રહેતા અને રાવપુરાની ખાનગી ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ શેટ્ટીના સસરા માંદા હોવાથી તેઓ પરિવાર સાથે સમા વિસ્તારની હોસ્પિટલમાં દેખભાળ માટે રોકાયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
30 લાખના મુદ્દામાલની ચોરી
કબાટ અને તિજોરી ફંફોસીને ચોરો 23 તોલાથી વધુ સોનાના દાગીના, 300 ગ્રામથી વધુ ચાંદી, રૂ. 37,000 રોકડા અને લેપટોપ સહિત બજાર કિંમત રૂ. 30 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ગયા હતા. વહેલી સવારે પાડોશી દ્વારા જાણ કરાતા આ ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ ગોત્રીના હેલી એવન્યુ ખાતે પણ ફ્લેટને બહારથી બંધ કરી આવી જ રીતે તસ્કરો લાખોની ચોરી કરી ગયા હતા, જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
ખરીદી કરવા ગયેલા પરિવારના ઘરે ચોરી
બીજી ઘટનામાં, હરણી વિસ્તારમાં આવેલા 'ડ્રીમ એલીગન્સ' સોસાયટીમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ સોની ગત 5 નવેમ્બરે પરિવાર સાથે ખરીદી અર્થે બહાર ગયા હતા અને કમાટીબાગ પાસે રહેતા ભાઈના ઘરે રોકાયા હતા. મકાન બંધ હોવાની તક ઝડપીને તસ્કરોએ મુખ્ય દરવાજાની લોખંડની જાળી અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
હરણી પોલીસ મથકમાં અરજી
કબાટમાંથી સાડા સાત તોલા સોનાના દાગીના, 600 ગ્રામ ચાંદી અને રૂ. 25 હજાર રોકડ રકમ મળી કુલ લાખોની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. 6 નવેમ્બરે પરિવાર પરત ફરતા સમગ્ર ચોરીની જાણ થઈ હતી, જેને પગલે હરણી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં એક પછી એક બનતી ચોરીની આ ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભારે અસલામતી અને ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે.
