Vadodara Crime News: વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના દેરોલી ગામમાં મોડી રાત્રે તસ્કરોએ ઉત્પાત મચાવ્યો છે. દેરોલી ગામની નવીનગરીમાં આવેલા એક મકાનને નિશાન બનાવી અજાણ્યા ઈસમો તિજોરીના તાળા તોડી અંદાજે રૂ. 5 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો છે. આ મામલે પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગરમીના કારણે પરિવારના સભ્યો ઘરની બહારના ભાગે ગાઢ નિંદ્રામાં સુતા હતા. તસ્કરોએ આ અનુકૂળ સ્થિતિનો લાભ ઉઠાવી, અંધારાની ઓથમાં મકાનના પાછળના ભાગેથી ઘરમાં ચોરીછૂપીથી પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસેલા બદમાશોએ કબાટ અને તિજોરીને લક્ષ્ય બનાવી તેના તાળા તોડીને અંદર મુકેલા કિંમતી આભૂષણો તથા રોકડ રકમ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા.
પ્રાતઃકાળે પરિવારજનો જાગ્યા ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં વેરાયેલો જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ચોરી થઈ હોવાની ખાતરી થતાં જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે સ્થળ પર પંચનામું કરી અજાણ્યા તસ્કરો સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે. ગુનેગારોનું સગડ મેળવવા માટે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી ઘનશ્યામ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શાંત દેરોલી ગામમાં બનેલી આ મોટી ચોરીની ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
