Vadodara RTO AI Server Failure: વડોદરા શહેરના દરજીપુરા RTO કચેરી ખાતે ગુરુવારના રોજ AI આધારિત ડ્રાઈવિંગ ટ્રેકની સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મોટો ધાંધિયા સર્જાયા હતા. સર્વર ડાઉન થઈ જતા ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન કેમેરા દ્વારા ફોટોગ્રાફી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. પરિણામે દૂર-દૂરથી આવેલા અનેક અરજદારો કલાકો સુધી રઝળપટ્ટીનો ભોગ બન્યા હતા.
મળતી વિગતો મુજબ, દરજીપુરા RTOમાં સવારના સમયે ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી પૂર્ણ ઝડપથી ચાલી રહી હતી. તે જ સમયે AI આધારિત ઓટોમેટેડ ટ્રેકની ઓનલાઈન સિસ્ટમમાં અચાનક ટેકનિકલ ગરબડ ઊભી હતી. ટેસ્ટ પ્રક્રિયા દરમિયાન અરજદારોના લાઈવ કેમેરા ફોટો લેવાની કામગીરી અટકી જતાં આખી સિસ્ટમ જામ થઈ ગઈ હતી. આ ટેકનિકલ ગોટાળાના કારણે અંદાજે 35થી વધુ અરજદારોની ટેસ્ટ અટકી પડી હતી.
વડોદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી સમયપત્રક મુજબ પહોંચેલા અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી હતી. ટેકનોલોજી આધારિત વ્યવસ્થામાં કોઈ વૈકલ્પિક આયોજન ન હોવાથી કચેરી પરિસરમાં ભારે અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો. RTOમાં કામગીરી ઝડપી અને પારદર્શક બનાવવા માટે કરોડોના ખર્ચે AI સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, પરંતુ વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીને કારણે ઉમેદવારો પરેશાન થઈ રહ્યા છે.
બપોરના સમયે ટેકનિકલ એન્જિનિયરોની ટીમે જહેમત ઉઠાવી સર્વરની ખામી દૂર કરતાં સિસ્ટમ પુનઃ શરૂ થઈ શકી હતી. ત્યારબાદ જ રાહ જોઈ રહેલા અરજદારોની ટેસ્ટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રસ્ત અરજદારોએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ટેકનિકલ સમસ્યાઓ સર્જાય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક ઓનલાઈન કે ઓફલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી નાગરિકોનો કિંમતી સમય બગડે નહીં.
