Vadodara: ડભોઈમાં ગણેશોત્સવનો ઉત્સાહ, સોલંકી યુગ અને ગાયકવાડ કાળના જમણી સૂંઢના ચમત્કારી ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ડભોઈમાં સોલંકી વંશ અને ગાયકવાડ શાસનકાળમાં સ્થપાયેલા જમણી સૂંઢના ચમત્કારી ગણેશ મંદિરોમાં ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 12:10 PM (IST)Updated: Thu, 17 Sep 2026 12:10 PM (IST)
vadodara-dabhoi-ganeshotsav-solanki-era-gaekwad-period-ganesh-mandir

Ganeshotsav 2026: ઐતિહાસિક અને પૌરાણિક નગરી ડભોઈ ખાતે હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવના પાવન પર્વે ભારે ધાર્મિક ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. નગરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાચીન શાસકો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા જમણી સૂંઢના ગણેશજીના બે અતિ ચમત્કારી મંદિરોમાં સવાર-સાંજ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી રહી છે. દાદાના દર્શન માટે ઉત્સાહભેર પહોંચતા ભક્તજનોના કારણે સમગ્ર વિસ્તારમાં મેળા જેવો ભક્તિમય માહોલ સર્જાયો છે.

છસ્સો વર્ષ પૂર્વે ગણેશ મંદિરની સ્થાપના

સોળમી સદીમાં રાજપૂત યુગના સોલંકી વંશના રાજવી વિશળદેવ સોલંકી દ્વારા તત્કાલીન દર્ભાવતી અને હાલના ડભોઈ નગરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે વડોદરી ભાગોળ રોડ પર આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના ભવ્ય મંદિરની ડાબી બાજુએ પીળા પથ્થરમાંથી કંડારેલી જમણી સૂંઢના શ્રી ગણપતિજીની વિશાળ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આશરે સાડા છસ્સો વર્ષ જૂનું આ મંદિર આજે પણ સોલંકી રાજપૂત વંશની ભવ્ય પરંપરા અને સ્થાપત્યની સાક્ષી પૂરે છે.

અઢીસો વર્ષ પૂર્વે બીજા ગણેશ મંદિરની સ્થાપના

બીજી તરફ, વડોદરાના ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન અઢીસો વર્ષ પૂર્વે મોતીબાગ જવાના માર્ગ પર બીજા મંદિરની સ્થાપના કરાઈ હતી. ડભોઈમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો તેમજ સમગ્ર નગરજનોને સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય તેવા હેતુથી આરસપહાણના સફેદ પથ્થરમાંથી બનેલી જમણી સૂંઢના ગણેશજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી. એવું પણ માનવામાં આવે છે કે, ડભોઈ નગરમાં ગણેશ ઉત્સવ ઉજવવાનો પ્રારંભ પણ આ જ દક્ષિણી ફળિયામાંથી થયો હતો.

બંને મંદિરોમાં ભક્તોનું ઉમટે છે ઘોડાપૂર

ગુજરાતભરમાં જમણી સૂંઢના ગણપતિજીના મંદિરો ખૂબ જ વિરલ જોવા મળે છે, કારણ કે, તેમની પૂજા-અર્ચના અને પાઠની પદ્ધતિ વિશેષ અને નિયમિત હોવી જરૂરી છે. હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન આ બંને પૌરાણિક મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ખાસ કરીને મોતીબાગ માર્ગ પર આવેલા મંદિરે અંગારકી સંકષ્ટ ચતુર્થીના પાવન દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવે છે.