વડોદરા: ડભાસામાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર નીકળતા ફફડાટ, ભારે જહેમત બાદ કર્યું સુરક્ષિત રેસ્ક્યૂ

આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પાદરા વન વિભાગ ખાતે સુપરત કરવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 03:25 PM (IST)Updated: Sun, 27 Sep 2026 03:25 PM (IST)
vadodara-dabhasa-10-foot-long-python-spotted-safely-rescued-by-wildlife-rescue-trust
ડભાસામાં મહાકાય અજગરનું રેસ્ક્યુ

Dabhasa Python Rescue: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલ રાવપુરા ફળિયામાં ગત મોડી રાત્રે એક મોટો અજગર રહાણા વિસ્તારમાં આવી ચડ્યો હતો. સ્થાનિક રહીશ સંજયભાઈના ઘરની નજીક આશરે 10 ફૂટ જેટલો મહાકાય અજગર દેખાતા જ સમગ્ર ફળિયામાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. અંધકાર વચ્ચે અજગરને જોઈને ગ્રામજનોમાં ભારે ફાળ પડી અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વિલંબ કર્યા વિના સ્થાનિકો દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટના અંગેકટોકટીભર્યો કોલ મળતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુટ્રસ્ટના સાહસિક કાર્યકર રાકેશ જાદવ તુરંત જ બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રિના સમયે અજગર આક્રમક મૂડમાં હોવાથી અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હોવાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી.

સ્થળ પર પહોંચેલા કાર્યકર રાકેશ જાદવે અત્યંત સુઝબુઝ, ધૈર્ય અને સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. અંધારા વચ્ચે અને ગ્રામજનોના ભય વચ્ચે આશરે 1 કલાકની ભારે જહેમત અને કટોકટીભરી મથામણ બાદ 10 ફૂટ લાંબા અજગરને સફળતાપૂર્વક અને સહીસલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. અજગર રેસ્ક્યૂ થતાં જ સ્થાનિક રહીશો સહિત સમગ્ર રાવપુરા ફળિયાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

યશસ્વી રેસ્ક્યૂ બાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પાદરા વન વિભાગ ખાતે સુપરત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા અજગરની શારીરિક તપાસ કર્યા બાદ તેને તેના કુદરતી વાતાવરણ અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેસ્ક્યૂ ટ્રસ્ટની આ સમય સૂચકતા અને ઝડપી કામગીરીની સમગ્ર પાદરા પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.