વડોદરામાં કાયદો અને વ્યવસ્થા કથળી! ગોત્રીમાં નશામાં ધૂત બુલેટચાલકની મારામારી અને અલકાપુરીમાં જૂથ અથડામણ

વડોદરાના ગોત્રીમાં નશામાં ધૂત બુલેટ ચાલકે અકસ્માત સર્જી હંગામો મચાવ્યો, અલકાપુરીમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારી. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 12:01 PM (IST)Updated: Sun, 01 Nov 2026 12:01 PM (IST)
vadodara-crime-news-gotri-drunk-bullet-rider-alkapuri-group-clash

Vadodara News: સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જાહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠાવતી બે અલગ-અલગ મારામારીની ઘટનાઓ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના ગોત્રી રોડ અને પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં જાહેરમાં થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને બોલાચાલીને પગલે રસ્તાઓ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગોત્રી રોડ પર નશામાં ધૂત ચાલકનો હંગામો

વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઓસિયા મોલ નજીક એક નશામાં ધૂત બુલેટ ચાલકે પહેલા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સુધરવાને બદલે ચાલકે રોડ પર જાહેરમાં હંગામો શરૂ કરી દીધો હતો અને મારામારી પર ઉતરી આવ્યો હતો. જોતજોતામાં દ્રશ્યો ખૂબ જ હિંસક બન્યા હતા અને રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. મારામારીના પગલે ગોત્રી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આખરે સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અલકાપુરીના સેન્ટ્રલ પોઇન્ટ નજીક બે જૂથો બાખડ્યાં

શહેરના અત્યંત પોશ અને ધમધમતા અલકાપુરી વિસ્તારમાં સેન્ટ્રલ પોઇન્ટ નજીક અચાનક જ બે જૂથો સામસામે આવી ગયા હતા અને રસ્તાની વચ્ચે જ એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેર રસ્તા પર બંને જૂથના લોકો એકબીજાને ઢોર માર મારતા જોવા મળ્યા હતા. આ હિંસક બબાલને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મારામારીને કારણે વિસ્તારમાં વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લેતા તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા અને કાયદાકીય કડક કાર્યવાહી કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.