Vadodara News: વડોદરા શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે કાર્યરત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડોદરાના હાથીખાના વિસ્તારના રીઢા અને કુખ્યાત બુટલેગર રફીકશા રહીમશા દીવાનને નડિયાદ ખાતેથી દબોચી લીધો છે. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો.
5 ગુનામાં આરોપી ફરાર જાહેર
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુજસીટોકના ગુનામાં રફીકશા દીવાન મુખ્ય વોન્ટેડ આરોપી હતો. આ ઉપરાંત, શહેરના સમા, હરણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરી ના કુલ 5 જેટલા ગુનાઓમાં પણ તે પોલીસ ચોપડે ફરાર જાહેર થયેલો હતો.
નડિયાદથી આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારો મારફતે હકીકત મળી હતી કે વોન્ટેડ બુટલેગર રફીકશા દીવાન હાલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે છુપાયેલો છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે તાત્કાલિક નડિયાદ ખાતે વોચ ગોઠવી હતી અને સફળ ઓપરેશન પાર પાડીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે તેને વડોદરા લાવવામાં આવ્યો છે.
વિવિધ જિલ્લાઓમાં 19 ગુનાઓ નોંધાયેલ
ઝડપાયેલા આરોપી રફીકશા રહીમશા દીવાનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ગંભીર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેના વિરુદ્ધ અગાઉ વિદેશી દારૂની હેરાફેરી અને ઠગાઈ જેવા ગંભીર ગુનાઓ હેઠળ અમદાવાદ, પંચમહાલ, નડિયાદ તેમજ વડોદરા શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
ગુજસીટોક હેઠળ આરોપી વોન્ટેડ
આટલું જ નહીં, આરોપીની સતત ગુનાહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે તંત્ર દ્વારા અગાઉ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રફીકશા દીવાન અગાઉ બે વખત 'પાસા' હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેના અન્ય સાગરીતો અને ફરાર સમયગાળા દરમિયાન તેને આશરો આપનારા શખ્સો અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.
