Vadodara News: વડોદરા શહેરમાં ઊંચા વ્યાજની લાલચ આપી નાગરિકોની મરણમૂડી ડૂબાડી દેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત દંપતીને સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં 11થી 12 ટકા વ્યાજ આપવાની ખાતરી આપી રૂ. 23.78 લાખથી વધુની રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. મુદ્દત પૂરી થયા બાદ પણ વ્યાજ કે મૂળ રકમ પરત ન મળતાં અને કંપનીની ઓફિસ બંધ થઈ જતાં આખરે દંપતીએ છેતરપિંડી સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે.
એજન્ટોએ વૃદ્ધ દંપતીને ફસાવ્યા
મળતી માહિતી મુજબ, કારેલીબાગની અજીતનાથ સોસાયટીમાં રહેતા અરુણકુમાર ચંદ્રકાંત શાહ (ઉં.વ.71) વર્ષ 2013માં નર્મદા જળસંપત્તિ (સિંચાઈ) વિભાગમાંથી નિવૃત્ત થયા હતા અને હાલ પત્ની ઈનાબેન સાથે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. તેમના નિવાસસ્થાને સમૃદ્ધ જીવન સોસાયટીના એજન્ટો સંદીપ નિમ્બાલકર, પ્રજ્ઞેશ દેસાઈ અને સચિન કદમ અવારનવાર આવતા હતા.
આકર્ષક વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું
આ એજન્ટોએ દંપતીને આકર્ષક વળતર અને 11થી 12 ટકા વ્યાજ મળવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, રોકાણ કરેલી સંપૂર્ણ રકમ વ્યાજ સહિત પરત અપાવવાની જવાબદારી પણ પોતાની હોવાનું જણાવ્યું હતું. એજન્ટોના વિશ્વાસમાં આવી દંપતીએ 18 ઓક્ટોબર, 2014ના રોજ રૂ. 2. 50 લાખથી રોકાણની શરૂઆત કરી હતી. ત્યારબાદ રેટિંગ કોન્ટ્રાક્ટ તેમજ લાઈવ સ્ટોકના નામે જુદા જુદા તબક્કે 29 સપ્ટેમ્બર, 2015 સુધીમાં કુલ રૂ. 23,78,637નું રોકાણ કર્યું હતું.
એજન્ટો ઓફિસ બંધ કરી ફરાર થયા
આ રકમમાંથી પત્ની ઈનાબેનના નામે રૂ. 7.50 લાખ અને અરુણકુમાર શાહના નામે રૂ. 16,28,637નું રોકાણ નોંધાયું હતું. આ નાણાં અલકાપુરીમાં બોમ્બે શોપિંગ સેન્ટર નજીક માધવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી શાખામાં રોકવામાં આવ્યા હતા, જ્યારે સોસાયટીની મુખ્ય કચેરી પુણે (મહારાષ્ટ્ર) ખાતે કાર્યરત હતી. જોકે, પાકતી મુદ્દત પૂરી થઈ જવા છતાં નાણાં પરત મળ્યા નહોતા અને ત્યારબાદ ઓફિસને તાળાં વાગી ગયા હોવાનું સામે આવ્યું હતું.
વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર આક્ષેપ
અગાઉ આ પ્રકરણે ઈનાબેન દ્વારા અદાલતમાં ઇન્કવાયરી અરજી દાખલ કરવામાં આવી હતી. વડોદરા સ્પેશિયલ જજ (જીપીઆઈડી) કોર્ટના 9 એપ્રિલ, 2026ના હુકમ મુજબ આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પત્ની તરફથી પાવર ઓફ એટર્ની મળતાં અરુણકુમાર શાહે નિવેદન નોંધાવ્યું હતું અને ત્રણેય એજન્ટો સામે નાણાં પરત ન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે કડક તપાસની માંગ કરી છે.
