Vadodara CNG Price Hike: વડોદરા સહિત ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સામાન્ય જનતા અને વાહનચાલકો પર આર્થિક બોજો સતત વધી રહ્યો છે. તહેવારોની ખુશી વચ્ચે અદાણી ગેસ લિમિટેડ દ્વારા સીએનજી ના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે વડોદરા શહેરમાં રીક્ષા ચાલકો અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
અદાણી ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 4.45 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ વધીને પ્રતિ કિલો રૂ. 98.47 ની સપાટીએ પહોંચી ગયો છે. અચાનક આવેલા આ ભાવવધારાથી વડોદરા શહેરના વાહનચાલકોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વડોદરાના રીક્ષા ચાલકોની કફોડી હાલત
રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર, દિવાળી જેવા મોટા તહેવાર અગાઉ જ ઈંધણના ભાવમાં થયેલો આ તોતિંગ વધારો રીક્ષા ચાલકો માટે મોટો આંચકો સાબિત થયો છે. શહેરમાં રોજીરોટી કમાવવા માટે સીએનજી પર નિર્ભર રહેતા રીક્ષા ચાલકોની હાલત અત્યારે અત્યંત કફોડી બની ગઈ છે. દિન-પ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે કમાણી ઘટતી જાય છે અને સામે ગેસના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
સીએનજીના ભાવ વધારાની અસર
સીએનજીના ભાવ વધવાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર પર પડી છે. રીક્ષા ચાલકો ઉપરાંત કાર માલિકો તેમજ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચલાવતા વાહનચાલકો પર પણ આર્થિક ભારણ વધ્યું છે. ગેસ મોંઘો થવાને કારણે મુસાફરી પણ મોંઘી બની છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે.
ગેસ વિતરણ કરતી કંપનીઓ અને સંબંધિત સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના સપ્લાયમાં સર્જાયેલી અસ્થિરતા તથા વૈશ્વિક બજારમાં પડતર કિંમતોમાં થયેલા વધારાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિબળોની અસર સ્થાનિક બજાર પર પડી છે અને કંપનીઓ દ્વારા ભાવ વધારો ફરજિયાત બન્યો હોવાનું કહેવાયું છે.
રિક્ષાચાલકોએ કંપનીઓ સમક્ષ માંગ મૂકી
એક તરફ તહેવારોની ખરીદી અને ઉત્સવનું વાતાવરણ છે, ત્યારે બીજી તરફ સીએનજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાએ સામાન્ય વર્ગની કમર તોડી નાખી છે. રીક્ષા ચાલકો અને નાગરિકો દ્વારા સરકાર અને સંબધિત કંપનીઓ સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે ભાવ નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી તહેવારોની આ મોસમમાં સામાન્ય પરિવાર રાહતનો શ્વાસ લઈ શકે.
