Vadodara News:વડોદરાના રહીશો માટે મોંઘવારીને લઈને વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરની સ્થાનિક ગેસ વિતરણ કંપની 'વડોદરા ગેસ લિમિટેડ' દ્વારા ઘરેલુ પાઈપ ગેસ અને સીએનજી ઈંધણના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
કંપની દ્વારા કરવામાં આવેલા વધારા અનુસાર, ઘરેલુ ઉપયોગ માટે વપરાતા PNG ગેસના ભાવમાં રૂપિયા 1 નો સીધો વધારો કરાયો છે. આ ભાવવધારા બાદ PNGનો નવો ભાવ જૂના રૂપિયા 53.74 થી વધીને રૂપિયા 54.74 થઈ ગયો છે. આ કમરતોડ વધારાને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું માસિક રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેને લઈને ગૃહિણીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.
બીજી તરફ, વાહનચાલકોને પણ મોંઘવારીનો ડામ મળ્યો છે. VGL દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 9.55 પૈસા (55 પૈસા) નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે સીએનજીનો નવો ભાવ જૂના રૂ. 85.95 થી વધીને રૂ. 86.50 પહોંચી ગયો છે. ઈંધણના ભાવ વધતા માત્ર ખાનગી વાહનચાલકો જ નહીં, પરંતુ રોજનું કમાઈને રોજ ખાતા રીક્ષાચાલકો અને નાના વેપારીઓ પર પણ સીધો આર્થિક બોજ વધશે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે ગેસ કંપનીઓ દ્વારા અવારનવાર કરવામાં આવતો આ પ્રકારનો ભાવવધારો આમ આદમીનું જીવવું મુશ્કેલ બનાવી રહ્યો છે. લોકમુખે ચર્ચા થઈ રહી છે કે ઈંધણ અને રસોઈ ગેસના વધતા દામની સીધી અસર આવનારા દિવસોમાં પરિવહન ભાડાં અને અન્ય જીવનજરૂરી સેવાઓ પર પણ જોવા મળી શકે છે.
