Vadodara News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાંથી એક હૃદયદ્રાવક પરંતુ રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. અહીં લિફ્ટમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીના કારણે ફસાયેલી એક માસૂમ બાળકીનો વાસણા ફાયર બ્રિગેડની સાહસિક અને ત્વરિત કામગીરીને કારણે ચમત્કારિક બચાવ થયો છે.
લિફ્ટમાં અચાનક સર્જાઈ ટેકનિકલ ખામી
સોસાયટીમાં રહેતી એક નાની બાળકી સામાન્ય દિવસોની જેમ લિફ્ટ દ્વારા એક માળેથી બીજા માળે જઈ રહી હતી. તે જ સમયે અચાનક લિફ્ટમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા તે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ અને બાળકી અંદર એકલી જ ભયના ઓછાયા હેઠળ કેદ થઈ ગઈ. બાળકી લિફ્ટમાં ફસાઈ જતાં પરિવારજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
3 કલાકની જોખમી જહેમત અને ફાયર જવાનોનું રેસક્યુ
ઘટનાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના વાસણા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર કિશોર સોલંકી, સબ ઓફિસર અને સર સૈનિક કિરીટકુમાર ભાલીયા તેમજ તેમની સાહસી ટીમે સતત 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે અન્ય કોઈ રસ્તો ન બચ્યો, ત્યારે ફાયર જવાનોએ પોતાની જીવનની પરવા કર્યા વગર લિફ્ટના ઉપરના ભાગે પહોંચીને પોતાનો જીવ જોખમમાં મૂકીને અત્યંત જોખમી રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાની કુશળતા અને સૂઝબૂઝથી જવાનોએ લિફ્ટના દરવાજાને સુરક્ષિત રીતે ખોલીને અંદર ફસાયેલી માસૂમ બાળકીને હેમખેમ બહાર કાઢી લીધી હતી.
"પપ્પા-મમ્મી... હું સલામત છું!" - પરિવાર અને રહીશોમાં આનંદની લાગણી
જ્યારે બાળકી સહીસલામત રીતે પોતાની માતા અને પિતાના ભેટે પડી, ત્યારે "પપ્પા-મમ્મી... હું સલામત છું!" શબ્દો સાંભળતા જ માતા-હૈયાએ રાહતનો શ્વાસ લીધો હતો.
બાળકીને એક પણ ખરોચ આવ્યા વગર સુરક્ષિત જોઈને પરિવારે ભગવાનનો અને વાસણા ફાયર બ્રિગેડની ટીમનો આભાર માન્યો હતો. સોસાયટીના રહીશોએ પણ ફાયર જવાનોના આ સાહસને બિરદાવી દિલથી સલામ કરી હતી.
