Vadodara: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર આઈસર ટ્રકમાંથી રૂ. 82.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ

વડોદરા ગ્રામ્ય LCBએ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 82.83 લાખનો વિદેશી દારૂ ભરેલો આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Nov 2026 08:33 PM (IST)Updated: Sun, 01 Nov 2026 08:33 PM (IST)
vadodara-rural-lcb-seizes-liquor-worth-rs-8283-lakh-on-mumbai-delhi-expressway

Vadodara: વડોદરા જિલ્લાની ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની પ્રોહિબિશન વિંગ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સાવલી નજીક આવેલા દોડકા ટોલનાકા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર રાયકા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી આઇસર ટ્રકને પકડી પાડી છે. આ દરોડા દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 542 પેટીઓ મળી આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા ગ્રામ્ય LCBની ટીમ એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આ શંકાસ્પદ આઈસર ટ્રક પસાર થતી જોઈને તેને અટકાવીને તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ તેમજ આઇસર ટ્રક સહિત કુલ રૂ. 82,83,360 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી આશુરામ બિશ્નોઈ નામના શખ્સની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની કડક પૂછપરછ હાથ ધરીને પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા ઈસમને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો, તે અંગેના સવાલોના જવાબ મેળવવાના બાકી છે. આમાં અન્ય કયા મોટા સપ્લાયર્સ કે બુટલેગરો સંકળાયેલા છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ મામલે ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં પોલીસ રિમાન્ડ દરમિયાન આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.