વડોદરામાં વસ્તી ગણતરીનો પ્રારંભ: એક દરવાજો હોય તો 'ઘર એક, પરિવાર બે' ગણાશે, બંધ મકાનોનો ડેટા પાડોશીઓ પાસે લેવાશે

વડોદરામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઈ. એક જ પ્રવેશદ્વાર હોય તો ઘર એક ગણાશે પરંતુ પરિવાર બે ગણાઈ શકે છે. બંધ મકાનોની માહિતી પાડોશીઓ પાસેથી મેળવાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 04 Jun 2026 12:12 PM (IST)Updated: Thu, 04 Jun 2026 12:12 PM (IST)
vadodara-census-house-listing-one-door-one-house-two-families-rules

પ્રશાંત ગજ્જર, વડોદરા: દેશભરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી વેગવંતી બની છે. આ વખતે વસ્તી ગણતરી ડિજિટલ ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ અને કેટલાક અત્યંત રસપ્રદ તેમજ વ્યવહારુ નિયમો સાથે કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે કુલ 2199 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 2160 ગણતરીદારો ફરજ બજાવી રહ્યા છે. પ્રથમ ત્રણ દિવસ કર્મચારીઓ પોતાના બ્લોકથી વાકેફ થઈ સેટેલાઈટ નકશા મુજબ ઘર નંબરો આપવાની કામગીરી કરશે.

બ્લોકની રચના અને વહેંચણી

વસ્તી ગણતરી સરળતાથી થાય તે માટે બ્લોક વિભાજનમાં બે મુખ્ય ઘટકોને ધ્યાને લેવામાં આવ્યા છે:

  • 750 થી 850 વ્યક્તિઓની વસ્તી
  • ⁠200 થી 250 ઘરોની સંખ્યા
    આ માપદંડોના આધારે સેટેલાઈટ નકશાઓની મદદથી બ્લોકની રચના કરીને ગણતરીદારોને ફાળવણી કરવામાં આવી છે.

વસ્તી ગણતરીના કેટલાક રસપ્રદ અને મહત્વના નિયમો:

  • એક જ મુખ્ય દરવાજો તો ઘર એક: જો કોઈ એક જ મકાનમાં ભાઈઓ અલગ રહેતા હોય, પરંતુ ઘરનો પ્રવેશદ્વાર (મેઈન ગેટ) એક જ હોય તો તેને ‘એક જ ઘર’ ગણવામાં આવશે, પરંતુ કુટુંબ બે ગણાશે. જો પ્રવેશદ્વાર અલગ હશે તો ઘર અને કુટુંબ બંને અલગ ગણાશે.
  • ⁠એક રસોડું એટલે એક પરિવાર: ઘરમાં રહેતા સભ્યોનું રસોડું એક જ હોય તો તેમને એક જ પરિવાર ગણવામાં આવશે.
  • ⁠દીકરી-બહેનનો પરિવારમાં સમાવેશ: પરિવારમાં સાથે રહેતી મોટી ઉંમરની પુત્રી કે બહેન (ભલે તે ત્યક્તા કે વિધવા હોય) તેમને પરિવારના સભ્ય જ ગણવામાં આવશે, પરંતુ યુગલ તરીકે નહીં.
  • ⁠6 મહિનાનો નિયમ: જે વ્યક્તિઓ સંબંધિત વિસ્તારમાં 6 મહિના કે તેથી વધુ સમયથી રહે છે, માત્ર તેમની જ ગણતરી ત્યાં થશે.
  • ⁠બંધ કે ખાલી મકાન: જો ગણતરીદારની મુલાકાત વખતે ઘર બંધ હોય, તો તેઓ પાડોશીની પૂછપરછ કરીને પણ વિગતો મેળવી શકશે. સાવ ખાલી મકાન હશે તો તે અંગે રિમાર્ક્સ લખવામાં આવશે.

પ્રથમ વખત ‘સ્વગણના’ (ઓનલાઈન) સુવિધા:

સરકાર દ્વારા આ જનગણનામાં પ્રથમ વખત ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. નાગરિકો પોતાની વિગતો જાતે જ ઓનલાઈન ભરીને ‘સ્વગણના’ કરાવી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. વડોદરા જિલ્લામાં આશરે 24,000 લોકોએ આ ઓનલાઈન સુવિધાનો લાભ લીધો છે. આવા પરિવારોએ હવે ગણતરીદારને માત્ર પોતાનો ઓનલાઈન નોંધણી નંબર જ આપવાનો રહેશે.

સામાન્ય નાગરિકોને રૂબરૂ મળીને ગણતરીદારો દ્વારા કુલ 34 પ્રકારના પ્રશ્નો પૂછીને વિગતો એકત્ર કરવામાં આવશે. દેશના વિકાસના આયોજન માટે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ અને જવાબદારી છે.