Vadodara Corporator-Employee Dispute: વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે વોર્ડ નંબર 4 માં વરસાદી ગટરની કામગીરી લઈને મહાનગરપાલિકાના અધિકારી અને નગરસેવક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જોકે, આ સમગ્ર વિવાદમાં મેયરે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના મેયર ગીતાબેન મકવાણાએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને વિવાદ વધુ વણસે નહીં તે માટે બંને પક્ષોને પોતાની ચેમ્બરમાં બોલાવીને રૂબરૂ ચર્ચા કરી હતી. લાંબી વાતચીત અને બેઠક બાદ આંતરિક ગેરસમજો દૂર કરવામાં આવી અને સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે કોઈપણ પક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે નહીં અને કડવાશ ભૂલીને આગળ વધવાની સંમતિ દર્શાવી છે.
આ સમગ્ર ઘટના અંગે મેયર ગીતાબેન મકવાણાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનતા માટેની કામગીરી હંમેશાં હળીમળીને અને પરસ્પર સંકલનથી જ કરવાની રહેશે. અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે સંવાદિતા હોવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ફરી ન બનવી જોઈએ તેવી તાકીદની સૂચના પણ મેયર દ્વારા આપવામાં આવી છે.
શહેરમાં વિકાસના કાર્યો અને પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તાલમેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટના ભલે ગમે તે કારણોસર બની હોય, પરંતુ સમયસર મેયરની મધ્યસ્થી દ્વારા મામલો શાંત થઈ જવાથી પાલિકાના વહીવટી કામકાજ પર તેની નકારાત્મક અસર અટકી ગઈ છે. હવે સૌની નજર વોર્ડના વિકાસ કાર્યો તરફ છે, જ્યાં આગામી સમયમાં બંને પક્ષો સંપીને કામ કરશે તેવી ખાતરી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખોડિયારનગર રામદેવનગર ત્રણ રસ્તા પાસે વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું હતું. આ કામની ગુણવત્તા અને સ્થિતિની ચકાસણી કરવા VMC આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) પ્રકાશભાઈ રોહિત પોતાની ફરજના ભાગરૂપે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક કાઉન્સિલર મયૂર ચોવટીયા અને તેમના 10 જેટલા સમર્થકો ત્યાં આવી પહોંચ્યા હતા.
આ શખ્સોએ સ્થળ પર પહોંચીને એન્જિનિયર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો વધુ ઉગ્ર બનતા આરોપીઓએ ઉશ્કેરાઈને પ્રકાશભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. ફરજ પરના અધિકારી પર જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી.
મારામારીના આ મામલે વોર્ડ 4 ભાજપ કોર્પોરેટર મયુર ચોવટીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, વરસાદી ગટરના ઢાંકણા મામલે અધિકારીને રજૂઆત કરતા તેઓ ઉગ્ર થયા હતા. અધિકારીએ પહેલા પથ્થર લઈને મારવાનો પ્રયાસ કર્યો, આથી અધિકારીને લોકોએ પકડી લીધા હતા. બાદમાં મારામારીની આ ઘટના બની હતી.
