Vadodara BAPS Temple: સનાતન ધર્મમાં પર્વોના રાજા સમાન દીપોત્સવ પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર દેશ સાથે વડોદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે ઉત્સાહનો માહોલ જામ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં દિવાળી પર્વ નિમિત્તે વિશેષ સફાઈ સેવા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
700 યુવાનોએ મંદિરમાં સફાઈ કરી
જેમ દિવાળી પૂર્વે ઘરોમાં ખૂણે-ખૂણે સાફસૂફી થાય છે, તે જ શ્રદ્ધાભાવથી મંદિર પરિસરમાં દેવાલયથી લઈને શૌચાલય સુધીના તમામ વિભાગોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ સેવા યજ્ઞનું મુખ્ય આકર્ષણ આજની નવી પેઢી એટલે કે 'ઝેન ઝી' (Gen Z) ના યુવાનોનો ઉત્સાહ હતો. વિશ્વભરમાં જ્યાં યુવા પેઢી આક્રોશ કે અસંતોષ વ્યક્ત કરતી જોવા મળે છે, ત્યાં અટલાદરા મંદિરે 700થી વધુ યુવાનોએ ભક્તિ અને સેવાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો હતો.
સફાઈમાં શિક્ષિત યુવાનો જોડાયા
આ સફાઈ સેવા યજ્ઞની વિશેષતા એ હતી કે તેમાં ઉચ્ચ શિક્ષિત અને વ્યાવસાયિક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સેવા કાર્યોમાં તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સફળ યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના હોદ્દા કે વ્યવસાયનો અહમ બાજુ પર મૂકીને સામાન્ય સેવકની જેમ ઝાડુ અને મશીનો સાથે સફાઈ સેવામાં લીન થયા હતા.
આ વર્ષે ભવ્ય મહા અન્નકૂટ યોજાશે
બીજી તરફ, નૂતન વર્ષના પ્રારંભે ભગવાનને ધરાવવામાં આવતા મહાઅન્નકૂટની તૈયારીઓ પણ તડામાર ધોરણે ચાલી રહી છે. પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 1200 જેટલા વિવિધ મિષ્ટાન અને વાનગીઓનો ભવ્ય અન્નકૂટ યોજાશે. આ મનોહર વાનગીઓ તૈયાર કરવા માટે ગત એક સપ્તાહથી સંસ્થાના 300 જેટલા મહિલા ભક્તો દરરોજ મંદિરે આવી પવિત્રતા અને ભાવપૂર્વક સેવા આપી રહ્યા છે.
આમ, વડોદરાના અટલાદરા BAPS મંદિરે યુવા શક્તિની નિઃસ્વાર્થ સેવા અને મહિલા ભક્તોનું સમર્પણ દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવની શોભા વધારી રહ્યા છે.
