Vadodara News: વડોદરા શહેરના બાજવા અને છાણી વિસ્તારને જોડતું મુખ્ય રેલવે ગરનાળું આગામી 5 મહિના માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા હાથ ધરાયેલા 4 રેલવે ટ્રેક અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવા બ્રિજના નિર્માણ કાર્યને પગલે 4 ઓક્ટોબરથી આ ગરનાળું બંધ કરવામાં આવ્યું હોવાની જાહેર સૂચનાઓ લગાવી દેવાઈ છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે અને યોગ્ય આયોજન વગર લેવાયેલા આ નિર્ણયથી હજારો સ્થાનિક રહીશો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે.
ડાયવર્ઝન અત્યંત બિસમાર હાલતમાં
રેલવે તંત્ર દ્વારા ગરનાળા પાસે બેરિકેડ્સ લગાવીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની વિનંતી કરતા બેનરો તો લગાવી દેવાયા છે, પરંતુ વાસ્તવિકતા અત્યંત ગંભીર છે. તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવેલો ડાયવર્ઝન રોડ અત્યંત બિસમાર અને બિન-આયોજિત હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કાચા રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓના આરોગ્ય સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
રોડ પર કાદવ થતાં વાહન સ્લીપ થઈ શકે
ચોમાસાના સમયમાં આ ડાયવર્ઝન રોડ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ જવાના અને અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું પડતાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી, જેનાથી લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.
ડાયવર્ઝન રોડ રિપેરિંગ કરવાની માંગણી
સ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગણી છે કે, આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ડાયવર્ઝન રોડ પર તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે. રસ્તાનું યોગ્ય સમારકામ કરી તેને વાહન વ્યવહાર માટે સુરક્ષિત અને યોગ્ય બનાવવામાં આવે તેમજ રાત્રિના સમયે અકસ્માતો અટકાવવા માટે પુરતી પ્રકાશ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
