વડોદરાના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન: પૂરપાટ ઝડપે દોડતી કારે એક્ટિવાને ટક્કર મારતા માતાનું કમકમાટીભર્યું મોત, પુત્ર ઘાયલ

આ ભયાનક અકસ્માતમાં એક્ટિવા સવાર માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. તહેવારોના દિવસોમાં જ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 02:00 PM (IST)Updated: Mon, 09 Nov 2026 02:00 PM (IST)
vadodara-akota-dandiyabazar-hit-and-run-woman-killed-son-injured
વડોદરા હિટ એન્ડ રન

Vadodara Hit and Run: વડોદરા શહેરમાં બેફામ વાહન ચલાવનારા નબીરાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેનું વધુ એક કરુણ ઉદાહરણ અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે સામે આવ્યું છે. વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ફૂલ ખરીદવા જઈ રહેલા માતા-પુત્રના એક્ટિવા વાહનને પૂરપાટ ઝડપે આવતી એક કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક્ટિવા સવાર માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. તહેવારોના દિવસોમાં જ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ફૂલ લેવા નીકળેલા મા-બેટા હવામાં ફંગોળાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા મંજુબેન માળી અને તેમના પુત્ર સુરેશભાઈ માળી વહેલી સવારે અંદાજે 5:15 વાગ્યાના સુમારે પોતાના એક્ટિવા પર સવાર થઈને ખંડેરાવ માર્કેટ ખાતે ફૂલ લેવા માટે નીકળ્યા હતા. તેઓ અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે જ સમયે પૂરપાટ ઝડપે અને બેફામ ડ્રાઇવિંગ કરતા આવી રહેલી એક કારે તેમના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી બધી ભયંકર અને ધડાકાભેર હતી કે, એક્ટિવા પર સવાર બંને મા-બેટા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. એક્ટિવા ચાલક પુત્ર સુરેશભાઈ અંદાજે 15 ફૂટ જેટલા દૂર જઈને ફેંકાયા હતા, જ્યારે માતા મંજુબેન માળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

નશાની હાલતમાં કાર ચલાવતા બે યુવકોની અટકાયત

ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કાર ચાલક યુવક નશાની હાલતમાં હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાલમાં મૃતક મંજુબેન માળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

નબીરાઓની બેદરકારી સામે પરિજનોનો હૈયાફાટ આક્રંદ

હોસ્પિટલ બહાર મૃતક મંજુબેનના પુત્ર સુરેશભાઈ માળીનું હૈયાફાટ આક્રંદ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આંસુ સારતા સુરેશભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ નબીરાઓની બેદરકારી અને નશાખોરીના કારણે મેં મારી વ્હાલસોયી માતા ગુમાવી દીધી છે." તહેવારોના પવિત્ર દિવસોમાં જ પરિવારના આંગણે શોકનું મોજું ફરી વળ્યું છે અને ખુશીઓનો માહોલ પળભરમાં માતમમાં બદલાઈ ગયો છે.