વડોદરા જિલ્લામાં કાળમુખા વાહનોનો કહેર: બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં યુવક અને સગીરાના કરૂણ મોત

વડોદરામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બેફામ વાહનચાલકોની બેદરકારીથી એક યુવક અને એક સગીરાનું કરુણ મોત થયું. કન્ટેનર અને ટેન્કરની ટક્કરે બંને પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 12:43 PM (IST)Updated: Sun, 01 Nov 2026 12:43 PM (IST)
vadodara-accidents-sankarda-sama-savli-road-container-tanker-two-deaths

Vadodara Road Accident: વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ દોડતા ભારે વાહનો અકસ્માતનો પર્યાય બની રહ્યા છે. તાજેતરમાં બનેલી બે અલગ-અલગ હૃદયદ્રાવક દુર્ઘટનાઓમાં કન્ટેનર અને ટેન્કરચાલકોની બેદરકારીને કારણે એક યુવક અને 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને પગલે બંને પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સાંકરદા બસ સ્ટેન્ડ પાસે કન્ટેનરે યુવકને કચડ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે રહેતો 24 વર્ષીય દક્ષેશ રમેશભાઈ પઢિયાર એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે પોતાની નોકરી પૂર્ણ કરી પરત ફર્યા બાદ આજે સવારે અંદાજે સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના મોપેડ પર જરૂરી કામ અર્થે ઘરથી નીકળ્યો હતો. જ્યારે દક્ષેશ સાંકરદા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરના ચાલકે તેને ટક્કર મારી હતી.

ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

આ ટક્કર એટલી જોરદાર હતી કે દક્ષેશ મોપેડ પરથી સીધો રોડ પર પટકાયો હતો. અને કન્ટેનરના તોતિંગ પૈડાં તેના માથા પરથી ફરી વળ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને ડ્રાઇવર અકસ્માતના સ્થળથી થોડે દૂર પોતાનું કન્ટેનર મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કન્ટેનર જપ્ત કર્યું છે અને ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.

ખરીદી કરવા નીકળેલી સગીરાને ટેન્કરે અડફેટે લીધી

બીજી એક અતિ દુઃખદ ઘટના વડોદરા શહેરના જ સમા વિસ્તારમાંથી સામે આવી છે. સમા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય ઓરેલ નામની સગીરા ગત 3જી ઓક્ટોબરના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું ટુ-વ્હીલર લઈને સમા-સાવલી રોડ પર આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે નીકળી હતી. રસ્તામાં તે પહોંચી ત્યારે પૂરઝડપે દોડી રહેલા એક ટેન્કરના ચાલકે તેની ગાડીને અચાનક ટક્કર મારી હતી.

સગીરાનું ઘટના સ્થળે જ કરુણ મોત

આ ગંભીર અકસ્માતમાં સગીરા રોડ પર ફંગોળાઈને નીચે પટકાઈ હતી અને બેકાબૂ ટેન્કરના પાછલા પૈડાં તેના બંને પગ પરથી ફરી વળ્યા હતા. તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર અને સંઘર્ષ બાદ ગઇકાલે રાત્રે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સમા પોલીસે ગુનો નોંધીને ટેન્કરચાલકની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.