વડોદરામાં ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતઃ અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ટ્રકે ટક્કર મારતા જન્મ દિવસે જ યુવકનું મોત નીપજ્યું

આ ઘટના બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 19 Oct 2025 12:51 PM (IST)Updated: Sun 19 Oct 2025 12:51 PM (IST)
vadodara-accident-truck-hits-moped-young-man-died-on-his-birthday-on-akota-dandiya-bazar-bridge-623659

Vadodara News: વડોદરા શહેર સહિત રાજ્યભરમાં ગફલતભરી રીતે વાહન હંકારવાથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ટ્રકે ટક્કર મારતા એક્ટિવા સવાર યુવકનું મોત નીપજ્યું હતું. તરસાલીનો યુવક શહેરની રોશની જોવા માટે નીકળ્યો હતો ત્યારે અકસ્માત બન્યો હતો. ગંભીર ઇજા પહોંચતા ધીરેન નામના યુવકનું જન્મ દિવસે જ મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ ઘટના બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી. અકસ્માતને કારણે બ્રિજ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતક ધિર પટેલનો જન્મદિવસ હોવાથી, મિત્રો સાથે ભોજન લીધા બાદ તેઓ શહેરની આકર્ષક રોશની નિહાળવા નીકળ્યા હતા, પરંતુ કમનસીબે આ તેમની અંતિમ યાત્રા બની રહી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક ધિર પટેલના પિતા દિનેશભાઈ હસમુખભાઈ પટેલ તરસાલી વિસ્તારની ઓમકાર મોતી-1 સોસાયટીમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઈને તેમના સાળાના દીકરા દ્વારા જાણ કરવામાં આવી હતી કે ધિરનો અકોટા બ્રિજ પાસે અકસ્માત થયો છે. તેઓ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ધિરને ગંભીર હાલતમાં સારવાર અપાઈ રહી હતી, પરંતુ થોડા સમય બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના સમયે ધિર પટેલ અને તેનો મિત્ર ગૌતમ બારીયા બંને એક જ એક્ટિવા પર સવાર હતા. અકોટા સોલર પેનલ નજીકથી અકોટા બ્રિજ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બંને યુવકોને ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ધિરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ગૌતમ બારીયાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અકોટા પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે અને માર્ગ સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.