Vadodara Crime News: વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રેમસંબંધનો અંત લાવવા માંગતી હોસ્પિટલમાં નોકરી કરતી એક પરિણીત મહિલાને યુવક દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાંચ વર્ષની માસૂમ બાળકીની માતા એવી આ મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લેતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
યુવકે મહિલાને ધમકીઓ આપવા લાગ્યો
ઘટનાની વિગતો મુજબ, પીડિત મહિલા એક હોસ્પિટલમાં નોકરી કરે છે. તેની એક મિત્રના બોયફ્રેન્ડના માધ્યમથી તેની ઓળખાણ એક યુવક સાથે થઈ હતી. સમય જતાં આ ઓળખાણ પ્રેમસંબંધમાં પરિણમી હતી અને છેલ્લા ત્રણ મહિનાથી બંને સંપર્કમાં હતા. જોકે, સમય જતાં પરિણીતાએ આ સંબંધોમાંથી બહાર આવવાનું નક્કી કર્યું અને યુવકથી અંતર જાળવવાનું શરૂ કર્યું હતું. પરંતુ યુવકે સંબંધ તોડવાનો ઇનકાર કરી દીધો અને મહિલાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવા લાગ્યો.
મહિલાએ યુવક પર લગાવ્યો આક્ષેપ
મહિલાએ આક્ષેપ કર્યો છે કે યુવક તેની અંગત બાબતો અને સંબંધોની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, નોકરીના સ્થળ પર અવારનવાર આવીને હોબાળો મચાવતો અને હેરાન કરતો હતો. પરિણીતાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે યુવકે તેની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકની વિકૃત માનસિકતા ત્યાં જ ન અટકી, તે જ્યાં સુધી તેને નવી ગર્લફ્રેન્ડ ન મળે ત્યાં સુધી સંબંધ ચાલુ રાખવા માટે માનસિક દબાણ કરતો હતો તેમજ આત્મહત્યા કરવાની ધમકીઓ આપીને નાણાં પડાવવાનો પ્રયાસ પણ કરતો હતો.
મહિલાએ અભયમની મદદ માગી
આ મામલે કંટાળેલી મહિલાએ આખરે અભયમ 181 હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતાની આપવીતી સાંભળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ટીમે બંને પક્ષોને આમસામે બેસાડીને કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવકને મહિલાના ફોટા અને ચેટ્સ ડિલીટ કરી દેવા તેમજ ભવિષ્યમાં ક્યારેય હેરાન ન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.
યુવક સામે કાયદાકીય કાર્યવાહી
પરંતુ, યુવક પોતાની જીદ પર અડગ રહ્યો અને સમજાવટ માનવાનો ઇનકાર કરી નાણાંની માંગણી ચાલુ રાખી હતી. આ પરિસ્થિતિને જોતાં મહિલાએ કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. અભયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પક્ષોને નજીકના પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા, જ્યાં પીડિત મહિલા તરફથી લેખિત અરજી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી દીધી છે.
