Vadodara: 4 વર્ષના માસૂમ શૌર્ય ગંભીર બિમારીનો શિકાર બન્યો, જીવ બચાવવા 26 કરોડના ઇન્જેક્શનની જરૂર, મધ્યમવર્ગીય પરિવારે મદદની કરી અપીલ

વડોદરાના 4 વર્ષના શૌર્ય નાયકને ગંભીર Duchenne Muscular Dystrophy (DMD) બીમારી હોવાનું સામે આવ્યું છે. સારવાર માટે 26 કરોડ રૂપિયાના ELEVIDYS ઇન્જેક્શનની જરૂર હોવાથી પરિવારે મદદની અપીલ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 03:02 PM (IST)Updated: Wed, 16 Sep 2026 03:02 PM (IST)
vadodara-4-year-old-shaurya-nayak-dmd-disease-26-crore-elevidys-injection-help-appeal

Vadodara News: માતા-પિતા માટે પોતાના સંતાનની ખુશીઓથી વિશેષ આ દુનિયામાં કંઈ જ હોતું નથી, પરંતુ જ્યારે ચાર વર્ષના નાનકડા બાળકના જીવન સામે ગંભીર બીમારી સવાલ બનીને ઊભી રહી જાય ત્યારે પરિવાર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. વડોદરાના ચાર વર્ષના માસુમ શૌર્ય નાયક અને તેના પરિવાર સાથે પણ આવી જ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શરૂઆતમાં સામાન્ય લાગતી તકલીફ બાદ તબીબી તપાસ કરાવતાં શૌર્ય 'ડ્યુશન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી' (DMD) નામની અત્યંત ગંભીર અને વિરલ બીમારીથી પીડાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

4 વર્ષીય બાળકને ગંભીર બીમારી થઈ

આ જીવલેણ બીમારી બાળકની ઉંમર વધવાની સાથે તેના શરીરના તમામ મસલ્સને ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત કરી દે છે. શૌર્યના યોગ્ય ઈલાજ માટે તેના માતા-પિતાએ વડોદરાથી લઈને બેંગલોર સુધીના નિષ્ણાત તબીબોના દરવાજા ખખડાવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, શૌર્યનો જીવ બચાવવા માટે 'ELEVIDYS' નામના ખાસ ઇન્જેક્શનની જરૂરિયાત છે. જે હાલ માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ છે. જોકે, આ ઇન્જેક્શનની કિંમત અંદાજે 26 કરોડ રૂપિયા છે.

બાળકના જીવન માટે 26 કરોડનું ઈન્જેક્શન આશા સમાન

કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર માટે 26 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરવી લગભગ અશક્ય સમાન છે. એક તરફ ચાર વર્ષનો શૌર્ય અને બીજી તરફ જીવન રક્ષક દવાની આટલી મોટી કિંમત વચ્ચે સંઘર્ષ કરી રહેલા માતા-પિતા માટે આ રકમ તેમના બાળકની જિંદગીની આખરી આશા બની ગઈ છે. દીકરાને નવજીવન આપવા માટે પરિવારે હવે ક્રાઉડફન્ડિંગ અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મનો સહારો લીધો છે, જેથી શૌર્યની કરુણ કહાની દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડી શકાય.

મધ્યમ વર્ગીય પરિવારે મદદની લગાવી ગુહાર

લાચાર માતા-પિતાની નજર હવે સમાજના દાનવીરો અને સંવેદનશીલ લોકો પર ટકેલી છે. નાનકડા શૌર્યને મોતના મુખમાંથી બહાર લાવવા માટે નાની કે મોટી, દરેક આર્થિક સહાય અત્યંત કિંમતી સાબિત થઈ શકે તેમ છે. આ કપરા સમયે શૌર્યનો પરિવાર સૌ દેશવાસીઓને ઉદાર હાથે મદદ કરી પોતાના માસૂમ બાળકને નવી જિંદગી અપાવવા માટે અપીલ કરી છે.